હિંસાના ટ્રેક ઉપર ગુર્જર આંદોલન : પોલીસ ઉપર પથ્થરમારો, 55 ટ્રેન રદ

ધૌલપુરમાં પોલીસનાં ત્રણ વાહનોમાં આંદોલનકારીઓએ આગ ચાંપી : આગરા-મુરૈના હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ
નવી દિલ્હી, તા. 10 : રાજસ્થાનમાં ગુંર્જર અનામત માટે ચાલી રહેલું આંદોલન રવિવારે ત્રીજા દિવસે હિંસક બન્યું હતું. ગુર્જર નેતાઓ દિલ્હી-મુંબઈ રેલ માર્ગ ઉપર આંદોલન માટે બેસી જતા 55થી પણ વધારે ટ્રેનો રદ થઈ હતી તેમજ રૂટમાં બદલાવ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ ધૌલપુર જીલ્લામાં આંદોલનકારીઓએ આગરા મુરૈના માર્ગ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા થઈ હતી. જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસના ત્રણ વાહનોને આગ ચાંપી હતી  તેમજ પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં ચાર પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. 
ધૌલપુરના પોલીસ અધીક્ષક અજય સિંહે કહ્યું હતું કે, અમુક અસમાજીક તત્વોએ આગરા-મુરૈના રાજમાર્ગને બંધ કર્યો હતો. જ્યારે અમુક આંદોલનકારીઓએ હવામાં ગોળીઓ ચલાવી હતી. આ લોકોએ જ પોલીસની એક બસ સહિત કુલ ત્રણ વાહનોને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન થયેલી પથ્થરબાજીમાં ચાર જવાનોને ઈજા પહોંચી હતી તેમજ આંદોલનકારીઓને ખદેડવા માટે પોલીસને હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી અથડામણ બાદ માર્ગ ફરીથી ચાલુ થયો હતો. આ દરમિયાન સવાઈમાધોપુર-બયાવા વચ્ચે ગુર્જર આંદોલનના કારણે ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. જેના કારણે  પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસથી સવાઈમાધોપુર વચ્ચે 10-14 ફેબ્રુઆરીના રાતે ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો હતો. આ રૂટ ઉપર 31 ટ્રેન રદ કરવામાં આવી છે અને 47ના રૂટમાં બદલાવ કરવામાં આવ્યો છે. જ્યારે પશ્ચિમ મધ્ય રેલવેના કહેવા પ્રમાણે 10 ટ્રેનો પ્રભાવિત થઈ છે.  
હિંસક આંદોલન બાદ ભરતપુર રેન્જ આઈજી ભુપેન્દ્ર સાહૂએ ગુર્જર સમૂદાયને કાયદો વ્યવસ્થા બનાવી રાખવા અપીલ કરી હતી.

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer