તૃણમૂલના વિધાનસભ્યની હત્યામાં ભાજપ નેતા મુકુલ રોય સામે કેસ

કોલકાતા, તા. 10 : પશ્ચિમ બંગાળના કુશનગર વિધાનસભા બેઠકથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત બિસ્વાસની હત્યા બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આ મામલામાં પોલીસે બંગાળમાં નાડિયા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતા મુકુલ રોય સહિત ચાર જણ સામે કેસ નોંધ્યો છે. 
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે ટીએમસીના ધારાસભ્ય બિસ્વાસને પાછળથી દેશી પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સત્યજીત ગઈ સાંજે હંસખાલી પોલીસ મથક વિસ્તારમાં આયોજિત સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા ત્યારે જ અમુક લોકોએ તેમની હત્યા કરી નાખી હતી. તૃણમૂલ કોંગ્રેસે હત્યા માટે ભાજપને જવાબદાર ઠરાવ્યો હતો. પક્ષના એક ટ્વિટમાં જણાવાયું હતું કે બિસ્વાસ અમારા પ્રિય સાથી હતા. જનતા ભાજપને તેમના કૃત્યોનો જવાબ જરૂર આપશે. તો બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે આવા આક્ષેપોને નિરાધાર બતાવ્યા હતા.  જે ચાર જણ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે તેમાંથી બેની ધરપકડ કરી લેવાઈ છે. 

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer