હું રવિ પૂજારી નહીં, એન્થની ફર્નાન્ડિઝ છું

હું રવિ પૂજારી નહીં, એન્થની ફર્નાન્ડિઝ છું
સેનેગલમાં ગૅંગસ્ટરના આવા દાવાને ખોટો પુરવાર કરવા દોડધામ શરૂ
મુંબઈ, તા. 10 : ગૅંગસ્ટર રવિ પૂજારીનું પ્રત્યાર્પણ વિલંબમાં પડી શકે છે, કારણકે તેણે સેનેગલ સરકાર સમક્ષ પોતાની ઓળખને નકારી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂજારીના વકીલોએ સેનેગલના સત્તાવાળાઓને પાસપોર્ટ સોંપ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે બુરકીના ફાસોનો નાગરિક એન્થની ફર્નાન્ડિઝ છે.
સેનેગલની ભારતીય એલચી કચેરી સાથે પ્રત્યાર્પણ પ્રક્રિયાનું સંકલન કરી રહેલા વિદેશ મંત્રાલયે પૂજારીનું ડૉઝિયર સોંપ્યું છે જેમાં તેની ગૅંગસ્ટર તરીકેની પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.  મુંબઈ અને કર્ણાટકની પોલીસની વિનંતી બાદ રવિ પૂજારી સાથે ઈન્ટરપોલે 13 રેડ કોર્નર નોટિસો પણ બહાર પાડી છે અને તેના બનાવટી પાસપોર્ટ અંગે સેનેગલના સત્તાવાળાઓને અહેવાલ પણ સોંપ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂજારીની ઓળખ પુરવાર કરતા વધુ દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરવા ભારતની એલચી કચેરીએ વધુ સમય માગ્યો છે.
મુંબઈ અને કોલકાતાની પોલીસને પૂજારીના પરિવારજનોના ડીએનએના નમૂના એકઠા કરીને સેનેગલ મોકલવાનું જણાવવામાં આવ્યું છે. આ ડીએનએ નમૂનાઓથી પોતે પૂજારી નહીં હોવાનું કહેતા રવિ પૂજારીની સાચી ઓળખ પ્રસ્થાપિત થઈ શકશે.

Published on: Mon, 11 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer