નવી દિલ્હી, તા.11: સતત સારું પ્રદર્શન કરી રહેલા ભારતના યુવા ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર તેની કેરિયરમાં પહેલીવાર એટીપી ક્રમાંકમાં ટોચના 100 ખેલાડીમાં સામેલ થયો છે. મેન્સ સિંગલ્સમાં પ્રજનેશ 6 સ્થાનના ફાયદાથી એટીપી રેન્કિંગમાં 97મા નંબર પર પહોંચ્યો છે. તે ટોપ 100માં પહોંચનાર ફક્ત ત્રીજો ભારતીય ટેનિસ ખેલાડી બન્યો છે. પ્રજનેશ જો ટોચના 100 ખેલાડીમાં ટકી રહેશે તો તેને ગ્રાંડસ્લેમ ટુર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળી શકશે. બીજી તરફ યૂકી ભાંબરી ઇજાને લીધે હવે 1પ9માં ક્રમ પર ખસી ગયો છે. જ્યારે રામકુમાર રામનાથન 128મા અને સાકેત માયનાની 2પપમા નંબર પર છે. ડબલ્સમાં રોહન બોપન્ના 37મા નંબર પર છે. દિવિજ શરણ 39મા અને લિયેન્ડર પેસ 7પમા નંબર પર છે. મહિલા ટેનિસ સિંગલ્સમાં અંકિતા રૈના 16પમા ક્રમ પર છે અને ભારતની ટોચની ખેલાડી છે.
પ્રજનેશ એટીપીના ટોચના સો ટેનિસ સ્ટારમાં સામેલ
