નવી દિલ્હી, તા.11: ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર અને દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો. (ડીડીસીએ)ની સિનિયર પસંદગી સમિતિના ચેરમેન અમિત ભંડારી પર અન્ડર-23 ટીમ ટ્રાયલ દરમિયાન આજે કેટલાક અજાણ્યા ઇસમોએ સેંટ સ્ટિફેન્સ મેદાન પર હુમલો કર્યો હતો. આથી ભંડારીના માથામાં અને કાનમાં ઇજા થઇ છે. આ સંદર્ભે ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું છે કે દોષિઓને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યંy છે કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ટીમ બહાર કરાયેલા એક ખેલાડીએ હુમલો કર્યો છે. જેને અન્ડર-23ના સંભવિત ખેલાડીઓની ટ્રાયલમાં સામેલ કરાયો ન હતો.
ડીડીસીએની અન્ડર-23 ટીમના મેનેજર શંકર સૈનીએ જણાવ્યું હતું કે અમિત ભંડારી અને કોચ મિથુન મિન્હાસ ટ્રાયલ જોઇ રહ્યા હતા ત્યારે બે લોકો ભંડારી પાસે આવ્યા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. બાદમાં 1પ લોકોનું ટોળું હોકી સ્ટિક, સાઇકલની ચેન અને સાળિયા લઇને આવી પહોંચ્યા હતા. ટોળાએ ભંડારી પર હુમલો કર્યો હતો. આથી અમે બચાવવા દોડયા હતા. તો અમને પણ ધમકી આપી હતી. ભંડારી પર હોકી સ્ટિકથી હુમલો થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ હુમલાની ગંભીરતાથી નોંધ લીધી છે.
પૂર્વ ઝડપી બૉલર અને દિલ્હીના પસંદગીકાર અમિત ભંડારી પર અન્ડર-23ની ટ્રાયલ વખતે હુમલો
