ડૉલરની તેજીથી સોનામાં નરમાઈ

ડૉલરની તેજીથી સોનામાં નરમાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 11 : અમેરિકા-ચીન વચ્ચે વેપારયુદ્ધને લીધે ડૉલરને ફાયદો મળી રહ્યો હોય સોનામાં નવેસરથી ઘટાડો શરૂ થયો છે. સલામત રોકાણની માગ વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે ચાલુ રહી છે પણ ધીમી પડી જતાં સોનું 1307 ડૉલરના નવા એક અઠવાડિયાના તળિયે પહોંચ્યું હતું. વિશ્લેષકોના મતે સોનામાં નકારાત્મક ચાર્ટ બન્યા છે એ વધુ ઘટાડો લાવી શકે છે. લાંબાગાળે સોનામાં તેજીની પૂરતી શક્યતા છે. વેપારયુદ્ધ અને યુરોઝોનના વિકાસની નબળી આગાહીઓ સોનાની તેજી માટે મજબૂત પાયો બની શકે તેમ છે.
વેપારયુદ્ધનો મુદ્દો ઉકેલાતો નહીં હોવાથી ચીનને નુક્સાન અને અમેરિકાને ફાયદો થવાની ધારણાએ ડૉલર ઊંચકાય છે. આ મુદ્દે ચાલુ સપ્તાહમાં બન્ને  દેશો વચ્ચે ચર્ચા થવાની ધારણા છે. અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ચીનની મુલાકાતે જવાનું છે ત્યાં આ મુદ્દે વાતચીત થાય તેવી શક્યતા છે. જોકે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયામાં એવું કહ્યું હતું કે 1 માર્ચ પૂર્વે ઝિનપિંગને મળવાનું કોઇ આયોજન નથી. આ તારીખ ડયૂટી માટેની ડેડલાઇન ગણવામાં આવે છે.
રાજકોટના સોના બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 150ના ઘટાડા સાથે રૂા. 33,600 હતો. મુંબઇમાં રૂા. 130 નરમ પડીને રૂા. 33,055 હતો. ન્યૂ યૉર્કમાં 15.69 ડૉલરના સ્તરે ચાંદી રનિંગ હતી. રાજકોટમાં એક કિલોએ રૂા. 100 વધતા રૂા. 40,300 અને મુંબઇમાં રૂા. 145 ઘટતા રૂા. 39,785 હતી.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer