નવી ગોલ્ડ પૉલિસીથી `બુલિયન બૅન્કિંગ''ને પ્રોત્સાહન મળશે : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

નવી ગોલ્ડ પૉલિસીથી `બુલિયન બૅન્કિંગ''ને પ્રોત્સાહન મળશે : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
નવી દિલ્હી, તા.11 : કેન્દ્ર સરકાર તેમની પ્રસ્તાવિત ગોલ્ડ પોલિસીને આ વર્ષે અમલમાં મૂકશે એ પછી ભારતમાં સોનું મજબૂત `નાણાકીય અસ્ક્યામત' બનશે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યૂજીસી)ના એક ટોચના અધિકારીએ કહ્યું હતું. 
નવી પોલિસી અંતર્ગત, બૅન્કોને `બુલિયન બૅન્કિંગ'ની (બુલિયનમાં જોખમ લેવાની) છૂટ મળશે અને નવા ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્પોટ એક્સચેન્જથી આ વ્યવસ્થા વાસ્તવિક અને પારદર્શક બનશે, જેથી ગ્રાહકો અને નાના જ્વેલર્સને ફાયદો થશે, એમ ડબ્લ્યૂજીસીના મેનેજિંગ ડિરેક્ટર-ઈન્ડિયા, પીઆર સોમસુંદરમે કહ્યું હતું. 
બુલિયન બૅન્કિંગથી ગ્રાહકો બૅન્ક સાથે બુલિયન સંબંધિત ટ્રાન્ઝેક્શન કરી શકશે. સ્પોક એક્સચેન્જ બજારમાં લિક્વિડિટી પુરી પાડશે. 
સોમસુંદરમે કહ્યું કે, આગામી ગોલ્ડ પોલિસી સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે, જેની નિકાસ ઉપર સકારાત્મક અસર પડશે. માગમાં ત્વરિત અસર પડશે નહીં, પરંતુ સેન્ટિમેન્ટ સુધરશે. સોનાને નાણાકીય અસ્ક્યામત તરીકે પ્રોત્સાહન આપવા માટેની પ્રસ્તાવિત પોલિસીના ડ્રાફ્ટને સંબંધિત મંત્રાલયોમાં પ્રતિક્રિયા માટે સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે અને ગોલ્ડ સ્પોટ એક્સચેન્જની રચના કરવાનો પ્રસ્તાવ સંબંધિત પણ સરકાર વિચાર કરી રહી છે. અમારુ માનવું છે કે નિતી આયોગના રિપોર્ટ પછી નવી ગોલ્ડ પોલિસી છેલ્લા તબક્કામાં આવશે અને ટૂંક સમયમાં વાસ્તવિક બનશે.
સોમસુંદરમે કહ્યું કે આગામી ગોલ્ડ પોલિસી ફક્ત ભારતની જરૂરિયાત માટે જ નથી. પરંતુ આ પોલિસી આંતરરાષ્ટ્રીય ગોલ્ડ માર્કેટને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે, જેમાં ભારતની માગ પચ્ચીસ ટકા જેટલી છે. 
ડબ્લ્યૂજીસીએ વર્ષ 2019 માટે સોનાના વપરાશનો અંદાજ 700 ટન - 800 ટનથી વધારીને 750 ટન -850 ટન કર્યો છે. માગનો આ અંદાજ ગયા વર્ષની સરેરાશ માગ (760.4 ટન) કરતા પણ વધુ છે. છેલ્લા એક દાયકામાં ભારતની સોનાની સરેરાશ માગ 838 ટન છે. 
તેમણે કહ્યું કે, વપરાશ વધીને 750 ટનથી 850 ટન થશે, જેનુ કારણ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) હવે થાળે પડયો છે, સંગઠિત ખેલાડીઓનો બજાર હિસ્સો વધી રહ્યો છે અને સરકાર ગ્રામીણ વિસ્તારમાં અર્થતંત્ર સુધારવા માટે પગલા લઈ રહી છે, જેથી સોનામાં ઉંચી બચત થશે, ગ્રામીણ લોકોના હાથમાં વધુ રોકડ રહેશે. 
વર્ષ 2018માં સોનાની માગ વાર્ષિક ચાર ટકા વધી હતી, કેન્દ્રિય બૅન્કે 50 વર્ષમાં સૌથી વધુ ખરીદી કરી હતી. સોનાની માગ 4345 ટન થઈ છે, જે વર્ષ 2017ની 4160 ટનની સરખામણીએ વધુ છે, જોકે પાંચ વર્ષની સરેરાશ 4347.5 ટનને સમકક્ષ છે. આ વૃદ્ધિ કેન્દ્રિય બૅન્કની સૌથી વધુ ખરીદી (651.5 ટન)ને લીધે થઈ છે. 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer