મુંબઈના છ લાખ બેરોજગાર યુવકોને ભથ્થું આપવાની કૉંગ્રેસે લાલચ આપી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : વધતી બેરોજગારીને કારણે યુવાનોમાં પ્રવર્તતા અસંતોષના લાભ લેવા કૉંગ્રેસના મુંબઈ એકમે લોકસભાની ચૂંટણીમાં વિજય મળે તો શિક્ષિત બેકાર યુવકોને લઘુતમ આવક આપવાની લાલચ આપી છે.
કૉંગ્રેસના કાર્યકરોએ કમસે કમ 3000 રૂપિયા બેરોજગારી ભથ્થા માટે છ લાખ અરજીઓ છપાવી છે. કૉંગ્રેસીઓ તે અરજી સાથે આખા શહેરમાં ફરી વળશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકારોએ પહેલી માર્ચથી બેરોજગાર યુવાનોને માસિક ભથ્થું આપવાની જાહેરાત કરી છે. હવે તે સ્કીમને આખા દેશમાં વિસ્તારવાની યોજના છે.
કૉંગ્રેસના મુંબઈ એકમના વડા સંજય નિરૂપમે જણાવ્યું હતું કે આ યોજનાને સાકાર કરવા અમે કામ શરૂ કરી દીધું છે. અમે લગભગ છ લાખ અરજીપત્રો છપાવ્યાં છે. યુવક કૉંગ્રેસના કાર્યકરો મુંબઈમાં વિધાનસભા ક્ષેત્રોમાંના પ્રત્યેક ઘરમાં ફરશે. તેઓ 21થી 30 વર્ષની વય જૂથના બેરોજગાર યુવકો પાસે અરજીઓ ભરાવશે. જો કૉંગ્રેસ સત્તા ઉપર આવે તો તેઓને બેરોજગારી ભથ્થું મળશે. આ ભથ્થા માટેની રકમ હજી નક્કી કરવામાં આવી નથી, પરંતુ તે 3000 રૂપિયાથી 4000 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે, એમ નિરૂપમે ઉમેર્યું હતું.
આ વિરાટ કલ્યાણકારી યોજના માટે નાણાં કેવી રીતે ઊભાં કરાશે એ પ્રશ્ન અંગે નિરૂપમ સંતોષજનક ઉત્તર આપી શક્યા નહોતા.
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના ફૂટી ગયેલા અહેવાલ અનુસાર ભારતમાં બેરોજગારીનું પ્રમાણ હિસાબી વર્ષ 2017-'18માં 6.1 ટકા સુધી પહોંચ્યું હતું. જે હિસાબી વર્ષ 1972-'73 પછી સહુથી વધારે છે.
કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ ગત 30મી જાન્યુઆરીએ રાયપુરમાં રૅલીને સંબોધતા ગરીબ અને બેરોજગારોને ભથ્થું આપવાની ઘોષણા કરી હતી. ત્યાર પછી રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે બેરોજગારોને માસિક 3500 રૂપિયાનું ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. બાદમાં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે બેરોજગારી માસિક 4000 ભથ્થું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોને આ બેરોજગાર ભથ્થા માટે અનુક્રમે રૂા. 560 કરોડ અને 800 કરોડ ખર્ચવા પડશે.
રાજકીય સમીક્ષક પ્રકાશ આકોલકર કહે છે કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના કૃષિ ક્ષેત્રમાં બેરોજગારી મહત્ત્વની છે. આ બાબત ચૂંટણીના પરિણામ ઉપર અસર પાડી શકે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતરી આપ્યા પ્રમાણે બેરોજગાર ભથ્થું આપે તો તે ગેમ ચેન્જર બની શકે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer