દિલ્હીમાં નાયડુનું એક દિવસનું નાટક

વડા પ્રધાનને ઉતારી પાડતા પોસ્ટરને કારણે ધરણાએ વિવાદ સરજ્યો
નવી દિલ્હી, તા. 11 : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુએ સોમવારે એક મોટાં નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનના ઉલ્લેખ સાથે મોદી પર પ્રહારો કર્યા હતા.
દિલ્હીના આંધ્ર ભવન સંકુલમાં આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માંગ સાથે એક દિવસના અનશન પર ઊતરેલા નાયડુએ નમો પર નિશાન સાધતાં કહ્યું હતું કે, વડાપ્રધાનને પોતાનાં પત્ની પ્રત્યે કોઇ
આદરભાવ નથી.
હું મારા પરિવારને પ્રેમ કરું છું પરંતુ નરેન્દ્ર મોદીને તેમના પરિવાર પ્રત્યે કોઇ પ્રેમ-લાગણી હોય તેવું દેખાતું નથી, તેવા પ્રહારો નાયડુએ કર્યા હતા. આંધ્રના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મોદીનો નથી કોઇ પરિવાર કે નથી કોઇ પુત્ર. ગઇકાલે રવિવારે નાયડુને `લોકેશના પિતા' કહીને સંબોધનારા મોદી પર પ્રહાર કરતાં નાયડુએ કહ્યું હતું કે, આપે મારા પુત્રનો ઉલ્લેખ કર્યો, તો હું આપનાં પત્નીનો ઉલ્લેખ કરું છું. શું લોકોને ખબર છે કે, નરેન્દ્ર મોદીનાં પત્ની પણ છે, જેમનું નામ જશોદાબહેન છે, તેવા પ્રહારો ટીડીપી નેતાએ કર્યા હતા.
લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસની જ વાર છે ત્યારે રાજકીય પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે અને હવે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં ધરણા ધરવા કે વિરોધ-પ્રદર્શનો કરવાં એ સામાન્ય થઈ ગયું છે, પરંતુ હમણાં-હમણાં મુખ્ય પ્રધાનો ધરણા પર બેસે એવો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુએ આજે રાજધાની દિલ્હીસ્થિત આંધ્ર ભવનમાં ધરણા શરૂ કર્યા હતા જે વિવાદોથી ઘેરાઈ ગયા છે.
 

Published on: Tue, 12 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer