નવસારીના બીલીમોરાથી 3.50 કરોડની રદ થયેલી જૂની ચલણી નોટો સાથે ચાર ઝડપાયા

નવસારીના બીલીમોરાથી 3.50 કરોડની રદ થયેલી જૂની ચલણી નોટો સાથે ચાર ઝડપાયા
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 11 : નોટબંધીને બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અવારનવાર રદ થયેલી જૂની ચલણી નોટો પકડાવાના બનાવો બની રહ્યા છે. આવો જ એક બનાવ રવિવારે મોડી રાતે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરાના ઊંડાચ ગામ નજીકથી પસાર થઈ રહેલી કારમાં લઈ જવાઈ રહેલી 3.50 કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે કાર અને ચાર વ્યક્તિને ઝડપી લશઈને તપાસ હાથ ધરી છે. 
નવસારીના એલસીબી, પીઆઇ ગોસ્વામી તથા તેમની ટીમ બીલીમોરા વિસ્તારમાં રાતે 11.30 વાગ્યે  પૅટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન એક કારમાં રદ થયેલી જૂની ચલણી નોટો લઈને ચાર વ્યક્તિ પસાર થઈ રહ્યા છે એવી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે કારની તલાશી લીધી હતી. એ દરમિયાન આ કારની તપાસ કરતાં એમાંથી જૂની રદ થયેલી 3,50,82,000 રૂપિયાની નોટો મળી આવી હતી. 
પોલીસે કાર અને રદ થયેલી જૂની ચલણી નોટોનો કબજો લઈને કારમાં જૂની ચલણી નોટોની હેરાફેરી કરનારા જિતેન્દ્ર પાણીગ્રહી, મહમ્મદ મોબીના, ફકીર મોટરવાલા અને અલ્તાફ શેખની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ચારે આરોપીઓની ધરપકડ કરીને નોટો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં તથા કોને આપવાના હતા એ રૅકેટને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. 
નોટબંધીનાં બે વર્ષ બાદ જૂની ચલણી નોટો મોટી સંખ્યામાં રાખવી એ નાણા મંત્રાલયે ગુનાહિત કૃત્ય જાહેર કર્યું છે છતાં જૂની 1000 અને 500 રૂપિયાની નોટો બદલવા માટે સમય આપવામાં આવ્યો હતો એ પણ પૂર્ણ થઈ ગયો છે અને બે વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં  પ્રતિબંધિત ગણાતી જૂની  નોટો પકડાવાના કિસ્સા હજી બની રહ્યા છે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer