કોસ્ટલ રોડ પ્રોજેક્ટ સામે વિરોધ ઊભો થયો : સમુદ્રની ભરણીને બદલે બ્રિજ કે સી-લિન્ક બાંધવાની માગણી

કોસ્ટલ રોડ પ્રોજેક્ટ સામે વિરોધ ઊભો થયો : સમુદ્રની ભરણીને બદલે બ્રિજ કે સી-લિન્ક બાંધવાની માગણી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે બ્રીચ કેન્ડી અને પ્રિયદર્શિની પાર્ક પાસેના સમુદ્રની ભરણી કરવા સામે ત્યાંના રહેવાસીઓ અને એક્ટિવિસ્ટોએ બાંયો ચડાવી છે.
સમુદ્રની ભરણીને બદલે મુંબઈ મહાનગર પાલિકા જો સ્ટિલ્ટ કે પછી બ્રિજનો વિકલ્પ નહીં અપનાવે તો રહેવાસીઓએ લોકચળવળ શરૂ કરવાની ધમકી આપી છે. શનિવારે પ્રિયદર્શિની પાર્ક ટ્રસ્ટના જનરલ સેક્રેટરી સુશીબેન શાહ અને બન્ને વિસ્તારના સિટિઝન ગ્રુપની `સેવ અવર કોસ્ટ'ના નેજા હેઠળ મિટિંગ થઈ હતી અને તેમણે આ પ્રોજેક્ટના સત્તાવાળાઓ સાથે મંત્રણા કરી હતી.
સુશીબેન શાહે કહ્યું હતું કે કોસ્ટલ રોડ પ્રોજેક્ટના અમલીકરણમાં કોઈ પારદર્શકતા નથી. તાતા ગાર્ડનથી મહાલક્ષ્મી મંદિર સુધીના રહેવાસીઓને અસર થશે. રોડના પ્લાનિંગ પહેલાં મહાનગરપાલિકા જાહેર સુનાવણી યોજવાની હતી, પણ આવી કોઈ સુનાવણી થઈ નહોતી. સત્તાવાળાઓ પાસે યોજનાના ડ્રોઇંગ્સ પણ નથી અને વિગતવાર પ્લાન પણ ઉપલબ્ધ નથી. સમુદ્રની ભરણી કેમ થવાની છે એની પણ કોઈને ખબર નથી.
તેમણે કહ્યું હતું કે અમે વિગતવાર પ્લાન માગ્યો છે અને સત્તાવાળાઓ એક મહિનાની અંદર એ અમને આપશે. આશ્ચર્યની વાત તો એ છે કે મહાપાલિકાએ બાંધકામ શરૂ કરી દીધું અને તેમની પાસે પ્લાન નથી. અમને મહાપાલિકામાં વિશ્વાસ નથી અને એણે રહેવાસીઓને વિશ્વાસમાં લેવા જોઈએ. સુધરાઈએ સમુદ્રની ભરણી કરવાને બદલી સી-લિન્ક કે પછી બ્રિજ બનાવવાની જરૂર છે.
મિટિંગમાં સેંકડો રહેવાસી ઉપરાંત કૉંગ્રેસના માજી સાંસદ મિલિન્દ દેવરા, ભાજપના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ પણ હાજરી આપી હતી.
સુધરાઈએ 9.97 કિલોમીટર લાંબા કોસ્ટલ રોડનું બાંધકામ તાજેતરમાં શરૂ કર્યું છે. અત્યારે મરીન લાઇન્સથી વરલી સુધીનું બાંધકામ શરૂ કરાયું છે. આ પ્રોજેક્ટ 12,000 કરોડનો છે.
પર્યાવરણ એક્ટિવિસ્ટ ઝોરુ ભાથેનાએ પણ આ મિટિંગમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટનું પ્લાનિંગ બરાબર કરવામાં આવ્યું નથી. રોડના પ્રતિ કિલોમીટર પાછળનો ખર્ચ 800 કરોડનો થવાનો છે એ જાણીને આશ્ચર્ય થયું છે. બીજી તરફ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રીનો ખર્ચ પ્રતિકિલોમીટર 750 કરોડનો છે. આને લીધે સ્પષ્ટ થાય છે કે કોસ્ટલ રોડ વિશેનું ખોટું બજેટ પાસ કરાયું છે અને એમાં ઉપરથી લઈ છેક નીચે સુધી સત્તાવાળાઓને લાભ થશે.
આ મિટિંગમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.એસ. કુકનૂરે પણ હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે રહેવાસીઓને બ્રિજ કે સી-લિન્ક જોઈએ છે, પણ આ તબક્કે એ શક્ય નથી. અમે 12 જુદા જુદા વિકલ્પ વિચારીને શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કર્યો છે. આ પ્રોજેક્ટને રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારે પણ મંજૂર કર્યો છે. પર્યાવરણને લગતી તમામ મંજૂરીઓ પણ લીધી છે. જ્યારે યોજનાનું પ્લાનિંગ ચાલતું હતું ત્યારે ભાગ્યે જ કોઈએ સૂચનો અમને આપેલાં. આ તબક્કે કોઈ ફેરફાર શક્ય નથી.
 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer