રાજકીય પ્રભાવ કે દબાણથી પ્રેરાઈને અત્યારે કેટલાક અંશે સાહિત્યસર્જન થઈ રહ્યું છે : ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર

રાજકીય પ્રભાવ કે દબાણથી પ્રેરાઈને અત્યારે કેટલાક અંશે સાહિત્યસર્જન થઈ રહ્યું છે : ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર
ક્રિશ્ના શાહ તરફથી
મુંબઈ, તા. 11 : ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. સિતાંશુ યશશ્ચંદ્રએ `ગુજરાતી સાહિત્યમાં સત્તાનાં બદલાતાં સમીકરણો' વિશે યોજાયેલા વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે ત્રણ મુખ્ય સત્તા છે - રાજસત્તા, ધર્મસત્તા અને ધનસત્તા. હાલમાં ધર્મની સત્તા રાજકીય સત્તાથી પણ વધુ મજબૂત છે. એનું કારણ છે ધર્મની સત્તા પાસે ધનની સત્તા છે. રાજકીય પક્ષોએ જનતા સુધી પહોંચવા ધાર્મિક સંગઠનો પાસે જવું પડે છે. સાહિત્ય આ ત્રણેય સત્તાને અસર કરે છે. 
વર્તમાન સમયમાં સાહિત્ય ક્ષેત્રે કેટલાક અંશે રાજકીય પ્રભાવ કે દબાણથી પ્રેરાઈને સાહિત્યસર્જન થતું હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે કોઈ એક રાજકીય પક્ષની તરફેણમાં સાહિત્યનું સર્જન થઈ રહ્યું છે ત્યારે મને મારી જ પંક્તિઓ યાદ આવે છે, `મયૂર ઉપરથી ઊતર, શારદા સિંહ ઉપર ચઢ..' સાહિત્યસર્જન માટે ઉત્કટતા-ધૂન હોવાં જોઈએ. એનાથી વિચારો વિસ્તરે-વિકસે છે.
મુંબઈ પ્રેસ ક્લબ અને બૃહદ ગુજરાતી સમાજ દ્વારા યોજાયેલા આ વ્યાખ્યાનમાં અગ્રણી પ્રકાશકો, ગુજરાતી, બંગાળી અને મરાઠી સહિત અન્ય ભાષાઓના વરિષ્ઠ સાહિત્યકારો તેમ જ પત્રકારો અને ગુજરાતી સાહિત્ય પરિષદ અને બૃહદ ગુજરાતી સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી.
 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer