વિપક્ષના જક્કી વલણથી રાજ્યસભામાં મહત્ત્વના ખરડા પસાર થઈ નહીં શકે

વિપક્ષના જક્કી વલણથી રાજ્યસભામાં મહત્ત્વના ખરડા પસાર થઈ નહીં શકે
વિરોધ પક્ષો ગૃહની કાર્યવાહીમાં ગતિરોધ ઊભો કરી રહ્યા છે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 11 :રાજ્યસભામાં કોઈ પણ કાર્યવાહી થવા નહીં દેવાના વિરોધ પક્ષોના જક્કી વલણને કારણે ન કેવળ મહત્ત્વના ખરડા પસાર નહીં થઈ શકે, પરંતુ રાષ્ટ્રપતિના પ્રવચનનો આભાર માનવાની દરખાસ્ત પરની ચર્ચા પર પણ તેની અસર થશે. આ ઉપરાંત 13મી ફેબ્રુઆરીના પૂરા થનારા બજેટ સત્રના છેલ્લા બે દિવસમાં વચગાળાનું બજેટ પણ પસાર કરવાનું છે. આ નાણાં ખરડામાં રાજ્યસભાને કોઈ સત્તા નહીં હોવાથી ગતિરોધની શક્યતા નકારી શકાતી નથી.
રાષ્ટ્રપતિના પ્રવચનનો આભાર માનતી દરખાસ્ત પર ચર્ચા ચાલુ કરવા નાયબ અધ્યક્ષે ભાજપના ભુપેન્દર યાદવને જણાવ્યા બાદ સોમવારે ફરીથી રાજ્યસભાને દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. યાદવે પોતાનું પ્રવચન શરૂ કરતાં જ ટીએમસીના સાંસદો ગૃહની મધ્યમાં ધસી ગયા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો.
આ સત્રના હવે માત્ર એકાદ બે દિવસ બાકી રહ્યા છે. ટીએમસીના વડા અને પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી મંગળવારે આંધ્રના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ અને દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ સાથે વિરોધ પક્ષોની રૅલીની આગેવાની લેવા દિલ્હી પહોંચી રહ્યા છે એટલે હવે મંગળવારે ટીએમસી અને ટીડીપીના સાંસદો વધુ ઉગ્ર બનશે અને રાષ્ટ્રપતિનો આભાર માનતી દરખાસ્ત પરની ચર્ચા વિપક્ષો કરવા દે છે કે નહીં તે જોવાનું રહેશે.
જો તમામ વિપક્ષો સહકાર નહીં આપે તો સરકાર શોરબકોર વચ્ચે આ દરખાસ્ત પસાર કરવાનો પ્રયાસ કરશે, પરંતુ આ એક અસાધારણ પગલું ગણાશે કારણ કે ભૂતકાળમાં આવું ક્યારે પણ થયું નથી.
આવા વલણ સાથે વિપક્ષો કદાચ રાજ્યસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાબ્દિક હુમલાથી પોતાને બચાવવા માગે છે.
બીજી તરફ સરકાર રાજ્યસભામાં ખાસ કોઈ કામ થઈ શક્યું ન હોવાથી મહત્ત્વના ખરડાઓ પર નવા વટહુકમો બહાર પાડવાની શક્યતાનો સામનો કરી રહી છે. રફાલ સોદા અને પ. બંગાળમાં સીબીઆઈના મુદ્દે વિપક્ષો વારંવાર સભામોકૂફી કરાવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (સુધારા) ખરડા, કંપનીઝ (સુધારા) ખરડા અને મુસ્લિમ વીમેન (પ્રોટેક્શન અૉફ રાઇટ્સ અગેન મેરેજ) ખરડા પર ત્રણ વટહુકમો સત્ર પૂરું થયા બાદ બહાર પાડવામાં આવી શકે છે. 13 ફેબ્રુઆરી બાદ સરકાર
આધાર ઍન્ડ અધર લોઝ (સુધારા) ખરડા પર વટહુકમ બહાર પાડી શકે છે.
ભાજપે રાજ્યસભામાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ ખરડો લાવવાની યોજનાને પડતી મૂકવી પડશે કારણ કે એનડીએના ઘટક પક્ષો જેડીયુ અને શિવસેનાએ તેની સામે વાંધો ઉઠાવ્યો છે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer