પ્રોપર્ટી ડીલ પરની સ્ટેમ્પ ડયૂટી વધારીને છ ટકા કરાઈ

મુંબઈ, તા. 12 : મુંબઈના મિલકતના વ્યવહારો પર સ્ટેમ્પ ડયૂટીના એક ટકા વધારાનો સરચાર્જ લેવાનું જાહેરનામું રાજ્ય સરકારે મંગળવારે બહાર પાડયું હતું. શહેરમાં ચાલતા ખાસ કરીને મેટ્રો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ભંડોળ જોઈતું હોવાનું કારણ રાજ્ય સરકારે આપ્યું છે. આઠમી ફેબ્રુઆરીથી બધી જ પ્રોપર્ટી ડીલ પર વધારાની એક ટકા ડયૂટી લાગુ પડશે. આને લીધે મુંબઈમાં સ્ટેમ્પ ડયૂટીનો દર છ ટકાનો થઈ ગયો છે. આનો અર્થ થયો કે રિયલ એસ્ટેટ હવે વધુ મોંઘું થશે.
સરકાર આ વધારાનો કરબોજો લાદીને 1000 કરોડથી વધારે રૂપિયા રળશે. સ્ટેમ્પ ઍન્ડ રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ આ મહેસૂલી આવક ભેગી કરીને શહેરી વિકાસ ખાતાના માધ્યમથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને આપશે.
એમએમઆરડીએ અગાઉ ભૂમિ વેચીને ફંડ એકઠું કરતું હતું. જોકે હવે તેની લેન્ડ બેન્ક સુકાઈ ગઈ હોવાથી રાજ્ય વિધાનસભાએ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ધારામાં સુધારો મંજૂર કર્યો હતો. આ સુધારાને લીધે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ને સ્ટેમ્પ ડયૂટી પર વધારાનો એક ટકા સરચાર્જ તરીકે નાખવાની સત્તા મળી છે.
સ્ટેમ્પ ડયૂટી કન્સલ્ટન્ટે કહ્યું હતું કે આઠમી ફેબ્રુઆરીથી રજૂ થયેલા બધા દસ્તાવેજો પર વધારાની સ્ટેમ્પ ડયૂટી લેવી મુશ્કેલ છે. આમાં વિવાદો થશે. ડિપાર્ટમેન્ટે પરિપત્ર બહાર પાડીને અમલ માટે પછીની તારીખ નક્કી કરવી જોઈતી હતી. સ્ટેમ્પ  અને રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યું હતું કે આઠ ફેબ્રુઆરી માટે રજિસ્ટર થયેલા દસ્તાવેજોનું હજી સ્કેનિંગ થયું નથી. ઇનટાઈમ સર્વિસ મુંબઈ પ્રાઈવેટ લિમિટેડના હિતેશ ઠક્કરે કહ્યું હતું કે બે દિવસ પહેલાં કેન્દ્ર સરકારે નવા ફ્લેટ પરનો જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કર્યો અને હવે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડયૂટીમાં એક ટકાનો વધારો કર્યો છે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer