કૅપ્ટન કોહલી, બુમરાહ અને રાહુલની વાપસી

કૅપ્ટન કોહલી, બુમરાહ અને રાહુલની વાપસી
કાર્તિક ફક્ત ટી-20 ટીમમાં : વન ડેમાંથી પત્તં કપાયું
ખલિલ અને શુભમન પણ આઉટ : પંત અને વિજય શંકર સામેલ: ટી-20માં પહેલીવાર મયંક માર્કંડેયને તક
મુંબઇ, તા.15: વર્લ્ડ કપ પૂર્વેની ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની મર્યાદિત ઓવરોની શ્રેણી માટેની ભારતીય ટીમમાં સુકાની વિરાટ કોહલી, મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને ફોર્મ હાંસલ કરવા સંઘર્ષરત કેએલ રાહુલની વાપસી થઇ છે. બીજી તરફ વન ડે ટીમમાંથી દિનેશ કાર્તિકની બાદબાકી થઇ છે અને યુવા રીષિભ પંતને વન ડે ટીમમાં તક અપાઇ છે. ખલિલ અહેમદ અને સૌરાષ્ટ્રના જવદેવ ઉનડકટ ડાબોડી ઝડપી બોલર તરીકે ટીમમાં સામેલ થશે તેવા રિપોર્ટ બહુ ગાજ્યા હતા, પણ બન્ને પસંદગીકારોને ખુશ કરવામાં નિષ્ફળ રહયા છે. બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે ટિવટ કરીને કુલ ત્રણ ટીમ જાહેર કરી છે. જેમાં પહેલી ટીમ બે ટી-20 મેચની છે. બીજી ટીમ  પહેલા બે વન ડે અને પછીની ટીમ બાકીના ત્રણ વન ડે માટેની છે. ત્રણેય ટીમમાં એકમાત્ર નવો ચહેરો મયંક માર્કંડેય છે. તેને ટી-20 ટીમમાં કુલદિપ યાદવના સ્થાને તક અપાઇ છે. કુલદિપને વિશ્રામ અપાયો છે.
ઓસ્ટ્રેલિયા સામે ભારત 24 ફેબ્રુઆરીથી બે ટી-20 મેચ રમવાની છે. એ પછી બે માર્ચથી પાંચ વન ડેની સિરિઝ રમાશે. ધારણા અનુસાર કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની વાપસી થઇ હતી. બુમરાહનું  ઓસ્ટ્રેલિયાના સફળ પ્રવાસ બાદ પુનરાગમન થશે. જ્યારે કોફી વીથ કરન શોમાં આપત્તિજનક ટિપ્પણી બાદ ટીમ બહાર થઇ જનાર બેટસમેન કેએલ રાહુલ ફરી ટીમમાં જગ્યા મેળવવામાં સફળ રહયો છે.  વન ડે ટીમમાં વિકેટકીપર-બેટસમેન દિનેશ કાર્તિકનું ન હોવું પસંદગીકારોનો આશ્ચર્યજનક નિર્ણય છે. આ સામે યુવા રીષભ પંતને વન ડે ફોર્મેટમાં પણ તક અપાઇ છે. ઝડપી બોલર સિધ્ધાર્થ કૌલને પહેલા બે વન ડેની ટીમમાં જગ્યા અપાઇ છે. ભુવનેશ્વર બાકીના ત્રણ વન ડેમાં સામેલ થયો છે. 
ડાબોડી ઝડપી બોલર ખલીલ અહેમદ પસંદગીકારોને પ્રભાવિત કરી શકયો નથી. તેને એક પણ ટીમમાં પસંદ કરાયો નથી. યુવા શુભમન ગિલ પણ પહેલી પરીક્ષામાં નાપાસ થયો છે. તેનું પણ પત્તુ કપાયું છે. આ સામે ઓલરાઉન્ડર વિજય શંકર ઓસ્ટ્રેલિયા સામે તમામ સાત મેચમાં પસંદ થયો છે. સૌરાષ્ટ્રના અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફરી એકવાર નજરઅંદાજ કરાયો છે. 
ટી-20 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, રીષિભ પંત, દિનેશ કાર્તિક, એમએસ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડયા, કુણાલ પંડયા, વિજય શંકર, યજુર્વેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, સિધ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડેય.
પહેલા બે વન ડેની ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, અંબાતિ રાયડૂ, કેદાર જાધવ, એમએસ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડયા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, યજુર્વેન્દ્ર ચહલ, કુલદિપ યાદવ, વિજય શંકર, રીષભ પંત, સિધ્ધાર્થ કૌલ અને કેએલ રાહુલ.
આખરી ત્રણ વન ડેની ટીમ : જેમાં ઝડપી બોલર સિધ્ધાર્થ કૌલને સ્થાન મળ્યું નથી. તેના સ્થાને અનુભવી ભુવનેશ્વર કુમારની વાપસી થશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer