ઇરાની ટ્રૉફી રોમાંચક : 280 રનના લક્ષ્યાંક સામે વિદર્ભના 1/37

ઇરાની ટ્રૉફી રોમાંચક : 280 રનના લક્ષ્યાંક સામે વિદર્ભના 1/37
હનુમા વિહારીના 180થી રેસ્ટ અૉફ ઇન્ડિયાએ 3/374 રને દાવ ડિકલેર કર્યો 
નાગપુર તા.15: રેસ્ટ ઓફ ઇન્ડિયાના કેપ્ટન અંજિકયા રહાણેના સાહસિક નિર્ણયને લીધે ઇરાની ટ્રોફીનો મેચ રોમાંચક બની ગયો છે. આજે મેચના ચોથા દિવસે ચાના સમય બાદ રેસ્ટ ઓફ ઇન્ડિયાએ તેનો બીજો દાવ 3 વિકેટે 374 રને ડિકલેર કરી દીધો હતો. આથી રણજી ટ્રોફી ચેમ્પિયન વિદર્ભની ટીમને જીત માટે 280 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. ચોથા દિવસની રમતના અંતે વિદર્ભે સુકાની ફૈઝ ફઝલ (0)ની વિકેટ ગુમાવીને 37 રન કર્યાં છે. આથી વિદર્ભને આવતીકાલે મેચના આખરી દિવસે જીત માટે 243 રનની અને રેસ્ટની ટીમે 9 વિકેટની જરૂર રહેશે.
બીજા દાવમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી નવા ટેસ્ટ સ્ટાર હનુમા વિહારીએ 300 દડામાં 19 ચોકકા અને 4 છકકાથી અણનમ 180 રન કર્યાં હતા. શ્રેયસ અય્યર પણ 61 રને નોટઆઉટ રહયો હતો. જયારે સુકાની રહાણેએ 87 રન બનાવ્યા હતા. આથી રેસ્ટ ઓફ ઇન્ડિયાએ તેનો બીજો દાવ 107 ઓવરમાં 3 વિકેટે 374 રને ડિકલેર કરી દીધો હતો. રેસ્ટના પહેલા દાવમાં 330 રન અને વિદર્ભના પહેલા દાવમાં 425 રન થયા હતા.
શહીદોના માનમાં ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પરના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવા માટે વિદર્ભ અને રેસ્ટ ઓફ ઇન્ડિયાને ટીમના ક્રિકેટરો કાળી પટ્ટી પહેરીને મેચ રમ્યો હતો. તમામ ખેલાડીઓએ તેમના હાથ પર કાળી પટ્ટી પહેરી હતી. બીસીસીઆઇએ કહયું હતું કે કાળી પટ્ટી શહીદોને નમન માટે છે.
વિદર્ભના અક્ષય કારનેવારે બન્ને હાથે બોલિંગ કરી !!
ઇરાની ટ્રોફીમાં આજે મેચના ચોથા દિવસે વિદર્ભના ઓલરાઉન્ડર અક્ષય કારનેવારે બન્ને હાથે બોલિંગ કરીને સહુને ચોંકાવી દીધા હતા. રિપોર્ટ અનુસાર અક્ષય 16 વર્ષની ઉંમરથી બન્ને હાથે બોલિંગ કરવાનું કૌશલ ધરાવે છે. આજે તેણે પહેલા ડાબા હાથે સ્પિન બોલિંગ કરી હતી. મોટા ભાગે તે ડાબા હાથે જ બોલિંગ કરતો આવ્યો છે. આ પછી તેણે જમણા હાથે પણ સ્પિન બોલિંગ કરી હતી. અક્ષયે આ પહેલા 2016માં મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન પણ બન્ને હાથે બોલિંગ કરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer