આતંકવાદ વિરુદ્ધ ભારતના કડક પ્રત્યાઘાતથી લેવાલીમાં સાવચેતી

આતંકવાદ વિરુદ્ધ ભારતના કડક પ્રત્યાઘાતથી લેવાલીમાં સાવચેતી
નીચા ભાવે વેચાણ કપાતાં પ્રારંભિક ઘટાડો સંકોચાયો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : કાશ્મીરમાં આતંકવાદી હુમલો અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાના બેવડા દબાણથી સ્થાનિક શૅરબજારમાં મોરલ વધુ ખરડાઈ ગયું છે. આજે શરૂઆતથી શૅરબજારે પ્રથમ ઉછાળા પછી તુરંત નબળાઈ દર્શાવતા અગ્રણી શૅરોમાં સતત વેચવાલી વધીને સૂચકાંક વધુ દબાણમાં આવી ગયો હતો. વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં પુન: મજબૂતાઈ આવવાથી પણ સિમેન્ટ, લોખંડ ક્ષેત્રના ઔદ્યોગિક અને રિફાઈનરી શૅરોના ભાવ પર વધુ દબાણ વધવાની શક્યતા છે. આજના ઘટાડામાં બૅન્કિંગ અને ટેક્નૉલૉજી શૅરોના ભાવ પણ ઘટાડે બંધ રહ્યા હતા. જોકે, નીચા મથાળે શરૂઆતના સટ્ટાકીય વેચાણ કપાતાં બજાર ઉપર આવવા છતાં ટ્રેડિંગ અંતે નિફટી અગાઉના બંધથી 22 પૉઈન્ટ ઘટાડે 10724.40 બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ 67 પૉઈન્ટ ઘટીને 35809 બંધ હતો. એફએમસીજી ઈન્ડેક્ષ ઘટાડો દર્શાવતો હતો.
પાકિસ્તાનપ્રેરિત આતંકવાદનો જવાબ આપવા માટે ભારત સરકાર દ્વારા કડક પગલાંની શક્યતા જોતાં શૅરબજારમાં સાવધાનીનો માહોલ પ્રવર્તે છે. ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો રદ કર્યો છે.
આજે શરૂઆતમાં નિફટી 10780 ખૂલીને 10785 સુધી ગયા પછી સતત ઘટાડે 10620 સુધી પટકાયો હતો. જે સટ્ટાકીય વેચવાલી કપાવાથી દૈનિક સુધરીને ધોરણે 10724.40 બંધ હતો. બીએસઈ ખાતે મિડકેપ સૂચકાંક 74 પૉઈન્ટ અને સ્મોલકેપ 29 પૉઈન્ટ ઘટયા હતા.
અમેરિકાના રિટેલ વેચાણના આંકડા નબળા આવવાથી વૈશ્વિક અને એશિયન બજારોમાં નબળાઈ હતી. ઉપરાંત બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ 65 ડૉલર નજીક પહોંચતા માહોલ ડહોળાયો હતો. વૈશ્વિક બજારમાં ડૉલરમાં નબળાઈથી રૂપિયો વધીને 71.23 કવોટ થવાથી સ્થાનિક ટેકેદારોમાં નબળાઈ આવી હતી.
સ્થાનિક બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ઘાતક આતંકવાદી હુમલાનો ભારત દ્વારા જોરદાર પ્રત્યુત્તર વાળવાની પ્રબળ સંભાવનાથી બજારોમાં મહદ્ અંશે નવી લેવાલી થંભી ગઈ છે. રોકાણકારો વેઈટ એન્ડ વોચમાં શાણપણ માનશે. આજે સુધરનાર શૅરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 20, બીપીસીએલ રૂા. 12, ગેઈલ રૂા. 10, એલએન્ડટી રૂા. 15 મુખ્ય હતા. જેની સામે તીવ્ર ઘટાડામાં અલ્ટ્રાટેક રૂા. 55, ટીસીએસ રૂા. 15, ટિસ્કો રૂા. 15, જેએસડબ્લ્યુ રૂા. 14, ડૉ. રેડ્ડીસ રૂા. 104 (ટ્રેડિંગ દરમિયાન 9 ટકા ઘટાડો), સનફાર્મા રૂા. 18, એચડીએફસી રૂા. 26, એચડીએફસી બૅન્ક રૂા. 10, ગ્રાસીમ રૂા. 12, એક્સિસ બૅન્ક રૂા. 8, મારુતિ રૂા. 87, હીરો મોટર્સ રૂા. 80 ઘટાડે બંધ હતા. વ્યક્તિગત શૅરમાં કંપની સીઈઓના રાજીનામાથી ડીએચએફએલ 4 ટકા ઘટાડે હતો. જેટ ઍરવેઝની ખોટ વધતા શૅર 2 ટકા ઘટયો હતો.
વોલસ્ટ્રીટ-એશિયન બજાર
અમેરિકાના વોલસ્ટ્રીટ ખાતે ડાઉ જોન્સ 0.41 ટકા અને નાસ્દાક કમ્પોઝિટ 0.9 ટકા ઘટયા હતા. એશિયન બજારમાં એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્ષ 0.25 ટકા અને જપાન ખાતે નિક્કી 239 પૉઈન્ટ ઘટાડે હતા. કોરિયા ખાતે કોસ્પી 1 ટકા ઘટયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer