જિંદગીમાં કાંઈક કરવું હતું એટલે ચાર લોકોની હત્યા કરી

મિત્રો તૃતીયપંથી કહીને ચીડવતા હતા એટલે ઉશ્કેરાટમાં કર્યા મર્ડર 
મુંબઈ, તા. 15 : તૃતીયપંથી હોવાથી ઘરના લોકોએ ધૂતકાર્યો એટલે કર્ણાટકથી મુંબઈ આવ્યો અને મુંબઈમાં મિત્રોએ કહ્યું કે જિંદગીમાં કાંઈ જ નહીં કરી શકે એટલે ઉશ્કેરાટમાં ચાર લોકોની હત્યા કરી. એક હત્યાના આરોપમાં પકડાયા બાદ ખબર પડી કે આરોપી સિરિયલ કિલર છે. 
બાંદરા પોલીસે ગુલબર્ગમાંથી ધરપકડ કરેલ વિઠ્ઠલ બજંત્રી તૃતીયપંથી હોવાની જાણ થતાં પરિવારે તુછકાર્યો હતો અને 12 વર્ષની ઉંમરમાં તે કર્ણાટકથી મુંબઈ સેન્ટ્રલ દાદી પાસે રહેવા આવ્યો હતો. દાદીના અવસાન બાદ પણ તે મુંબઈમાં જ પાંગર્યો અને ગર્દુલ્લાઓની સાથે રહેવા લાગ્યો. તેમ જ તેમના અનૈસર્ગિક અત્યાચારનો શિકાર બન્યો હતો. બાંદરાથી માહિમ વચ્ચે તેનું જીવન ગુજારતો હતો. દારૂ અને નશાની લતમાં લાગેલા વિઠ્ઠલને મિત્રો નામર્દ કહેતા અને જીવનમાં કાંઈ કરી શકવાની તાકાત નથી તેવું પણ કહેતા. ચાર વર્ષ પહેલાં તેની મુલાકાત સૂરજ કાળુ સાથે થઈ હતી અને તેની સાથે રહેવા લાગ્યો હતો. સૂરજના કહેવા પર 2017 ના અૉકટોબર મહિનામાં માથામાં પથ્થર મારીને 25 વર્ષીય જુમારાની હત્યા કરી હતી. 
પહેલી હત્યાની પોલીસે નોંધ ન લીધી એટલે પોરસાઈને નવેમ્બર મહિનામાં બેંગાલી નામના શખસની માથા પર પૅવર બ્લોક મારીને હત્યા કરી હતી અને પછી કર્ણાટક બહેનના ઘરે ભાગી ગયો હતો. ત્યાં 12 નવેમ્બર 2017 ના રોજ બહેનને ત્રાસ આપતા બનેવીની હત્યા કરી હતી. ત્યાંથી જામીન પર છૂટયા બાદ સૂરજ પાસે આવીને આખો ઘટનાક્રમ કહ્યો હતો. પરંતુ પછી સૂરજ પણ વિઠ્ઠલને તૃતીયપંથી કહીને ચીડવવા લાગ્યો હતો. રોષે ભરાયેલા વિઠ્ઠલે મિત્રની મદદથી 4 જાન્યુઆરી 2018 ના રોજ સૂરજને એક નિર્જનસ્થળે લઈને જઈને તેના પર અનૈસર્ગિક અત્યાચાર કર્યા બાદ તેની હત્યા કરી હતી.
ગર્દુલ્લા અને દારૂડિયાઓની હત્યા થતી હોવાથી હત્યાકાંડની નોંધ આકસ્મિક મૃત્યુ તરીકે લેવાતી હતી. પરંતુ સૂરજના મૃત્યુ બાદ હત્યાકાંડની ખબર પડી હતી. બાંદરા પોલીસે ગુલબર્ગમાંથી વિઠ્ઠલની ધરપકડ કરી હતી અને સૂરજની હત્યામાં ભાગીદાર મિત્ર કનોજિયાની પણ ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે તેને અદાલતી કસ્ટડી આપવામાં આવી હતી. 
વિઠ્ઠલ મૃતકોને રાત્રે મોડે સુધી ભરપૂર દારૂ પીવડાવતો. ત્યારબાદ માથામાં પૅવર બ્લૉક અથવા પથ્થર મારીને જીવ લેતો હતો. દારૂના નશામાં જીવ જતો હોવાનું મનાતું હોવાથી પોલીસને ગુનેગાર પકડમાં આવતો નહોતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer