બીજો પુત્ર પણ સેનામાં મોકલીશ, પાકને સજ્જડ જવાબ આપો...

વીરગતિ પામેલા જવાનોના પરિજનોમાં શહીદીનું ગૌરવ, પણ આવા હુમલામાં સ્વજન ખોયાનું દુ:ખ
નવી દિલ્હી, તા. 15 : પુલવામાના હિચકારા ત્રાસવાદી હુમલાને પગલે દેશભરમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારજનોમાં એક તરફ પુત્રની શહીદીનું ગૌરવ છે, તો બીજી તરફ આવા હુમલામાં પુત્ર ખોયાનું દુ:ખ પણ છે. વીર જવાનોના કુટુંબીજનો એક સૂરે કહી રહ્યા છે કે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો...
શહીદ જવાનો પૈકી સૌથી વધુ 12 જવાન ઉત્તરપ્રદેશના હતા. શહાદતની ખબર ફેલાતાં દરેક જવાનોના ઘરે લોકો અંજલિ માટે ઊમટી પડયા હતા. મોટાભાગના જવાનો રજાઓ ગાળીને બે દિવસ પહેલાં જ પોતાના ઘરેથી પરત નીકળ્યા હતા અને હવે ત્રિરંગા સાથે લપેટાયેલો તેમનો મૃતદેહ પાછો આવી રહ્યો છે. શહીદોમાં બિહારના ભાગલપુરના રતન ઠાકુર પણ સામેલ હતા. તેમના પિતા કહે છે કે, માતૃભૂમિની સેવામાં એક પુત્ર ગુમાવી ચૂક્યો છું, પણ બીજા પુત્રનેય દેશ કાજે કુરબાન થવા માટે મોકલીશ, પણ પાકિસ્તાનને સજ્જડ જવાબ આપો.
હુમલામાં વારાણસીના રમેશ યાદવ પણ વીરગતિ પામ્યા. તેમણે આ ગોઝારા હુમલાની થોડી ક્ષણો પહેલાં જ પત્ની રેણુ અને પરિજનો સાથે વાતચીત કરી હતી, પણ પછી ફરી ફોન આવ્યો નહીં અને શહીદીની ખબર મળી. પિતા શ્યામનારાયણ યાદવ સતત રડી રહ્યા છે. કમાનારો પુત્ર શહીદ થઈ ગયો. હવે ઘર કેમ ચલાવવું?
પંજાબના મોગાના જવાન જયમલસિંહ પણ શહીદ થઈ ગયા. તેમના પરિવારમાં ગમનો માહોલ છે. ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લાના વીરેન્દ્રસિંહ પણ શહીદ થઈ ગયા. તેમની પુત્રી પાંચ વર્ષની છે અને પુત્ર અઢી વર્ષનો છે. કન્નૌજના સુખચૈનપુરના નિવાસી પ્રદીપસિંહ પણ વીરગતિ પામ્યા. પત્ની નીરજદેવી શહીદીની ખબર મળી ત્યારથી રડયા કરે છે. તે કહે છે કે, તે પતિ સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે જ જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો અને પછી ફોન લાગ્યો નહીં. ટીવી પર ખબર પડી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer