વળતો પ્રહાર કરવા વડા પ્રધાનની સશત્ર દળોને ખુલ્લી છૂટ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 15 : પુલવામાના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોનું બલિદાન એળે જશે નહીં એની દેશને ખાતરી આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ હુમલાના ગુનેગારો વિરુદ્ધ જડબાતોડ કાર્યવાહી કરવા ભારતીય સશત્ર દળોને ખુલ્લી છૂટ આપવામાં આવી છે અને આતંકવાદીઓ સામે ભાવિ કાર્યવાહી માટે સમય અને સ્થળ પસંદ કરવાની તેમને પરવાનગી આપવામાં આવી છે.
આપણાં સશત્ર દળોના જવાનોની શૂરવીરતા દેશે જોઈ છે અને તેમની આ શૂરવીરતા અને બહાદુરી અંગે કોઈને શંકા નથી એમ વડા પ્રધાને જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના બુંદેલખંડ પ્રાંતના ઝાંસીમાં સૂચિત ડિફેન્સ કૉરિડોરની પાયાવિધિના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ હુમલામાં આતંકવાદીઓએ જે ક્રૂરતા બતાવી છે એનો સંપૂર્ણ બદલો ચૂકવવામાં આવશે.
તેમણે પાકિસ્તાન પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે આ હુમલામાં આર્થિક રીતે નબળા પડેલા રાષ્ટ્રની નિરાશા છલકાય છે. પાકિસ્તાન આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. એઁ ભીખનો કટોરો લઈને વિશ્વમાં ફરી રહ્યું છે, પરંતુ વિશ્વમાં તેને કોઈ મદદ કરતું નથી.
વડા પ્રધાને જણાવ્યું હતું કે આ હુમલાની ટીકા કરવામાં વિશ્વ આપણી સાથે છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા વિશ્વ આપણને ટેકો આપી રહ્યું છે. વિશ્વની તમામ મહાસત્તાઓ આપણા પડખે ઊભી છે અને આપણને ટેકો આપી રહી છે. મને મળેલા સંદેશાઓ બતાવે છે કે તેઓ માત્ર દુખી નથી, પરંતુ ગુસ્સે પણ થયા છે. તમામ રાષ્ટ્રો આતંકવાદનો અંત લાવવાની તરફેણ કરી રહ્યાં છે. વડા પ્રધાને અગાઉ જણાવ્યું હતું કે આ હુમલા પાછળ જવાબદાર તમામે ભારે કિંમત ચૂકવવી પડશે અને આપણાં સશત્ર દળોને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે. વંદે ભારત ટ્રેનનો પ્રારંભ વખતે વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારતના લોકોનું લોહી ઊકળી રહ્યું છે અને આ હુમલા પાછળના ગુનેગારોને ચોક્કસપણે સજા કરવામાં આવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer