વડા પ્રધાન આજે મહારાષ્ટ્રમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે

વડા પ્રધાન આજે મહારાષ્ટ્રમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી/ મુંબઈ, તા. 15 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (આજે) મહારાષ્ટ્રના યવતમાળ અને ધુળેની મુલાકાત લેશે અને રાજ્યની અનેક યોજનાઓનું અનાવરણ કરશે.
યવતમાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાંપ દબાવીને નાંદેડ ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. આ સ્કૂલમાં અત્યાધુનિક સગવડો અને એની ક્ષમતા 250 વિદ્યાર્થીની છે. સ્કૂલને કારણે આદિવાસી બાળકોને ખાસ્સો લાભ થશે. તેમની અને અન્ય બાળકોની શિક્ષણની ગુણવત્તા પણ સુધરશે. બાળકોના સર્વાંગી અને વ્યક્તિ વિકાસમાં પણ મદદ મળશે. આ ઉપરાંત વડા પ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચુનંદા લાભાર્થીઓનો ઈ-ગૃહપ્રવેશ કરાવશે.
વડા પ્રધાન અજની (નાગપુર) પુણે ટ્રેનને વીડિયો લિન્ક મારફતે લીલી ઝંડી બતાવી રવાના કરશે. આ ટ્રેન બન્ને શહેર વચ્ચે રાત્રે દોડશે. ટ્રેનમાંથી થ્રી ટીયર એસીના ત્રણ કોચ હશે. સેન્ટ્રલ રોડ ફંડ હેઠળ રોડના કામનો પણ શુભારંભ વડા પ્રધાન ચાંપ દાબીને કરાવશે. સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને ચેક અને સર્ટિફિકેટ પણ વડા પ્રધાન આપશે.
એ બાદ વડા પ્રધાન ધુળે જશે. ત્યાં તેઓ લોઅર પાણઝરી મિડિયમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કૃષિ સિંચન યોજના હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ પ્રોજેક્ટની પાણી સંગ્રહની ક્ષમતા 109.31 મિલિયમ ક્યુબિક મીટરની છે અને આ પ્રોજેક્ટથી ધુળે જિલ્લાનાં 21 ગામોમાં 7585 હેક્ટર જમીનની સિંચાઈ શક્ય બનશે.
વડા પ્રધાન સુલવાડે જમપાલ કાનોલી લિફ્ટ સિંચાઈ યોજનાનું શિલારોપણ કરશે. આ યોજના હેઠળ તાપી નદીમાંથી 7.24 ટીએમસી પૂરનું પાણી લિફ્ટ કરવામાં આવશે. ચોમાસાના 124 દિવસ દરમિયાન આ પાણી લિફ્ટ કરાશે. આ પાણીથી ધુળેના 100 ગામોની 33,367 હેકટર જમીન સિંચન હેઠળ આવશે.
વડા પ્રધાન ધુળે-નારદાના રેલવે લાઇન અને જળગાંવ-મનમાડ ત્રીજી રેલવે લાઇનની શિલારોપણ વિધિ કરશે. ભુસાવળ-બાંદરા ખાનદેશ એક્સ્પ્રેસને વીડિયો લિન્કથી લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે.
જલગાંવ-ઉધના ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન રેલ પ્રોજેક્ટનું પણ વડા પ્રધાન ઉદ્ઘાટન કરશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer