પાકિસ્તાનને આપેલો એમએફએન દરજ્જો ભારતે પાછો ખેંચ્યો

પાકિસ્તાનને આપેલો એમએફએન દરજ્જો ભારતે પાછો ખેંચ્યો
નવી દિલ્હી, તા. 15 : પુલવામા હુમલા બાદ ભારતે રાજદ્વારી રીતે પાકિસ્તાનને અલગ-થલગ પાડવાનું શરૂ કરી દીધું છે. એક તરફ પાકિસ્તાનને અપાયેલો એમએફએન, એટલે કે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લઈ લેવાયો હતો, તો બીજી તરફ વિદેશ સચિવે પાકિસ્તાનના ઉચ્ચાયુક્તને બોલાવીને આતંકી હરકતનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભારતે પાકિસ્તાન સ્થિત પોતાના ઉચ્ચાયુક્તને દિલ્હી બોલાવી લીધા છે. આતંકવાદી હુમલાથી દેશમાં રોષ ઊકળી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠક મળી હતી, જેમાં એક કલાકથી વધુ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પાકિસ્તાનને આપવામાં આવેલો એમએફએનનો દરજ્જો પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતે આ પાડોશી દેશને 1999માં મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો. બેઠક બાદ નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકારોને જણાવ્યું હતું કે, સલામતી દળો આ હુમલામાં સામેલ અને સમર્થન આપનારાઓ સામે હરસંભવ કદમ ઉઠાવશે.
જેટલીએ કહ્યું કે, વિદેશ મંત્રાલય યથાસંભવ રાજદ્વારી પગલાં લેશે કે જેથી પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ-થલગ પાડી શકાય. તેમણે કહ્યું કે, પાકને અપાયેલો એમએફએન દરજ્જો પરત લઈ લેવાયો છે. વાણિજ્ય મંત્રાલય આ બાબતે વિસ્તૃત માહિતી જારી કરશે.
કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે, 33 વર્ષ અગાઉ ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તે પસાર થયો ન હતો, કેમ કે આતંકવાદની પરિભાષા પર બધાની સંમતિ બાકી હતી. વિદેશ મંત્રાલય પ્રયાસ કરશે કે આતંકવાદની પરિભાષાને સંયુક્ત રાષ્ટ્રમાં જલદી સ્વીકાર કરવામાં આવે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer