સરકાર અને સુરક્ષા દળોને સંપૂર્ણ ટેકાની રાહુલ ગાંધીની ખાતરી

સરકાર અને સુરક્ષા દળોને સંપૂર્ણ ટેકાની રાહુલ ગાંધીની ખાતરી
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 15 : વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર પત્રકારોને માહિતી આપતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ગૃહપ્રધાન રાજનાથ સિંહ શ્રીનગર જઈ રહ્યા છે અને ત્યાંથી પાછા ફર્યા બાદ શનિવારે આ હુમલા સંબંધમાં રાજકીય પક્ષોને વિગતો પૂરી પાડવા સર્વપક્ષીય બેઠક બોલાવશે જેથી આ મુદ્દે દેશનો એક જ સૂર છે એવી પ્રતીતિ થાય.
આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ શાસક એનડીએની આવા પ્રકારની આ પ્રથમ બેઠક હશે. આ બેઠકમાં ભારતનાં ભાવિ પગલાં વિશે સર્વસંમતિ સાધવાનો એજન્ડા રહેશે એમ મનાય છે. પઠાણકોટ, ઊરી અને નાગરોટા પરના આતંકવાદી હુમલાઓને પણ નજર સમક્ષ રાખીને શાસક પક્ષ પ્રથમ વાર આગામી દિવસોમાં ભારતે કેવાં પગલાં લેવાં જોઈએ એ મુદ્દે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આજે વડા પ્રધાને પણ તમામ રાજકીય પક્ષોને રાજકારણથી પર રહીને એકજૂટ રહેવાની અપીલ કરી હતી. અગાઉ છેલ્લે સપ્ટેમ્બર 2016ના આતંકવાદી હુમલા બાદ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી ત્યારે સરકારે અંકુશરેખા પર સર્જિકલ સ્ટ્રાઇક અંગે તમામ પક્ષોના પ્રતિનિધિઓને માહિતગાર કરવાનો નિર્ણય લીધો હતો. આમાં ફરક એટલો છે કે આ વખતે સરકારે પાકિસ્તાન સામે કોઈ નિર્ણાયક પગલાં ભરતાં પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
દરમિયાન કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આ આતંકવાદી હુમલા વિશે લીધેલું વલણ નોંધનીય છે.
શુક્રવારે સવારે દિલ્હીમાં પત્રકાર-પરિષદને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ સમય શોક, દુ:ખ અને શહીદોને માન આપવાનો છે. અમે ભારત સરકારને અને સુરક્ષા દળોને સંપૂર્ણ ટેકો આપીએ છીએ. આ સિવાય અમે અન્ય કોઈ વાતચીતમાં પડવા માગતા નથી.
`આ એક ભયંકર કરુણાંતિકા છે. આપણા સૈનિકો સામે આ પ્રકારની હિંસા વખોડવાલાયક છે. આપણે બધા આપણા જવાનોના પડખે ઊભા છીએ. કોઈ પરિબળ ભારતને વિભાજિત કરી નહીં શકે કે તોડી નહીં શકે' એમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. આ પત્રકાર-પરિષદને ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ અને કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પણ સંબોધી હતી. ભાજપે પણ આજના એના તમામ રાજકીય કાર્યક્રમો રદ કર્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer