રાજકારણથી પર રહી તમામ પક્ષો એકજૂટ થાય વડા પ્રધાન

રાજકારણથી પર રહી તમામ પક્ષો એકજૂટ થાય વડા પ્રધાન
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 15 : `હું આતંકવાદીઓ અને તેમના આકાઓને જણાવવા માગું છું કે તેમણે મોટી ભૂલ કરી છે. તમારે આની મોટી કિંમત ચૂકવવી પડશે. આ હુમલા પાછળનાં પરિબળો સામે અમે કાર્યવાહી કરીને જ રહીશું' એમ વડા પ્રધાને વરિષ્ઠ પ્રધાનો સાથે ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક બાદ જણાવ્યું હતું.
વડા પ્રધાને વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનને શુક્રવારે લીલીઝંડી આપતાં પહેલાં બે મિનિટનું મૌન શહીદોના માનમાં પાળ્યું હતું.
કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ સુરક્ષા પરની કૅબિનેટ કમિટીની બેઠક બાદ જણાવ્યું હતું કે પાકિસ્તાનને એકલુંઅટૂલું પાડી દેવા તમામ શક્ય રાજદ્વારી પગલાં ભરવાનો અને પાકિસ્તાનને અપાયેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો પાછો ખેંચી લેવાનો સરકારે નિર્ણય કર્યો છે.
`લોકોમાં ઘણો ગુસ્સો છે, તેમનું લોહી ઊકળી રહ્યું છે એ સમજી શકાય એવું છે. જો પાડોશી દેશ એમ સમજતો હોય કે તે ભારતને અસ્થિર કરી દેશે તો એ ભીંત ભૂલે છે. આવું ક્યારેય નહીં થાય. અમે આ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
વડા પ્રધાને તમામ પક્ષોને રાજકારણથી પર રહીને એકજૂટ થવાનું જણાવ્યું હતું. આ એક સંવેદનશીલ સમય છે. હું તમામને અનુરોધ કરું છું, પછી તે સરકારમાં હોય કે વિપક્ષમાં, આપણે રાજકારણથી દૂર રહેવું જોઈએ. દેશ એકજૂટ છે. આપણી એકતા દુશ્મનને હરાવવામાં મોટો ભાગ ભજવશે' એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
વડા પ્રધાને આ હુમલાની ટીકા કરી ભારતને ટેકો જાહેર કરનારા દેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો બધા દેશો એકસાથે આવશે તો આતંકવાદ લાંબો સમય સુધી નહીં ચાલે. અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશ પાઠવીને આતંકવાદીઓને ટેકો આપવાનું અને તેમને આશ્રય આપવાનું તત્કાળ બંધ કરવાનું જણાવ્યું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer