દેશભરમાં જનઆક્રોશ

દેશભરમાં જનઆક્રોશ
નવીદિલ્હી, તા.15 (પીટીઆઈ) : દેશનાં 44 સપૂતોનાં પ્રાણ હરનારા હિચકારા આતંકવાદી હુમલા પછી દેશમાં જનાક્રોશનો સૈલાબ આવ્યો છે. પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે એટલી જ ક્રૂરતાથી વેરની વસૂલાત કરવાની પ્રચંડ પોકાર ઉઠી છે. ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે. પાકિસ્તાન સામે આ ધિક્કાર અને ફિટકાર વચ્ચે કાશ્મીરમાં સંદિગ્ધ આતંકવાદીઓને શોધવા ચારેકોર દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેટલાંક શંકાસ્પદોની ધરપકડ પણ કરી લેવાઈ છે. એનઆઈએ અને એનએસજીની ટૂકડીઓ પણ કાશ્મીર પહોંચી ગઈ છે અને આતંકવાદી કૃત્યની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાને ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે સેનાને સમય, સ્થળ અને સ્વરૂપ નક્કી કરીને જવાનોની શહાદતનો બદલો લેવા છૂટ આપી દેવામાં આવી છે. જેને પગલે ફરી એકવાર સર્જીકલ સ્ટ્રાઈક જેવી કોઈ કાર્યવાહી થવાની સંભાવના અને આશા દેશમાં જાગી ગઈ છે. સશત્ર કાર્યવાહીની શક્યતા વચ્ચે કૂટનીતિક માર્ગે ભારતે પાકિસ્તાનને ભીંસટમાં લેવા માટે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પાકિસ્તાનને આપવામાં આવેલો એમએફએન દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. પાક.નાં દૂતને તેડાવીને હુમલાનો સખત વિરોધ નોંધાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત પાક.માંથી ભારતનાં રાજદૂતને પણ પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતે સંખ્યાબંધ દેશોનાં રાજદૂતોની એક બેઠક બોલાવીને પાક.ને વિશ્વ સમુદાયમાંથી અળગું પાડી દેવાનાં પ્રયાસો પણ તેજ કરી દીધા હતાં. આવતીકાલે સવારે સંસદની લાઈબ્રેરીમાં સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે. આ દરમિયાન શ્રીનગરથી તમામ શહીદોનાં પાર્થિવદેહ દિલ્હી પહોંચાડી દેવામાં આવ્યા હતાં. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી સહિતનાં નેતાઓએ વીરલાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તમામ શહીદોને પૂરા સન્માન સાથે આક્રંદ કરતાં તેમનાં દેશદાઝ ભરેલા પરિવારોને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Published on: Sat, 16 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer