કુસલ પરેરાની સદીથી આફ્રિકા સામે શ્રીલંકાનો 1 વિકેટે યાદગાર વિજય

કુસલ પરેરાની સદીથી આફ્રિકા સામે શ્રીલંકાનો 1 વિકેટે યાદગાર વિજય
કુસલ પરેરા (153) અને વિશ્વ ફર્નાન્ડો (6) વચ્ચે આખરી વિકેટમાં 78 રનની રેકર્ડ ભાગીદારીથી શ્રીલંકાએ 304 રનનો લક્ષ્યાંક પાર પાડી ઇતિહાસ રચ્યો
 
ડરબન, તા. 17 : દ. આફ્રિકા સામેના પહેલા ટેસ્ટમાં કુસલા પરેરા (અણનમ 153)ની અદ્ભુત અને લડાયક સદીની મદદથી શ્રીલંકાએ માત્ર 1 વિકેટે યાદગાર જીત મેળવી હતી. કુસલ પરેરાએ પૂંછડિયા ખેલાડી વિશ્વ ફર્નાન્ડો (અણનમ 6) સાથે આખરી વિકેટમાં 78 રનની ચમત્કારિક ભાગીદારી કરીને આફ્રિકાના હોઠે આવેલો વિજય છીનવી લીધો હતો. શ્રીલંકાએ દ. આફ્રિકાની બોલિંગને હંફાવીને 304 રનનો વિજય લક્ષ્યાંક 9 વિકેટ ગુમાવી કરી લીધો હતો અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી હતી. આફ્રિકાના પહેલા દાવમાં 235 રન થયા હતા.
શ્રીલંકાનો પહેલા દાવમાં 191 રનમાં ધબડકો થયો હતો. આથી આફ્રિકાને 44 રનની લીડ મળી હતી. આ પછી આફ્રિકાએ બીજા દાવમાં 259 રન કરીને શ્રીલંકા સામે ડરબનની લાઇવ વિકેટ પર 304 રનનું વિજય લક્ષ્યાંક મુક્યું હતું.
ગઇકાલે મેચના આખરી દિવસે એક સમયે શ્રીલંકાએ 9 વિકેટ 226 રનમાં ગુમાવી દીધી હતી. આથી તેની હાર લગભગ નિશ્ચિત બની હતી પણ કુસલ પરેરા અને 11મા નંબરના ખેલાડી વિશ્વ ફર્નાન્ડોએ બાજી પલટાવીને આખરી વિકેટમાં 78 રનની રેકોર્ડ ભાગીદારી કરીને શ્રીલંકાને 1 વિકેટે ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. કુસલ પરેરા 200 દડામાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાથી 1પ3 રને અણનમ રહ્યો હતો. તેની ટેસ્ટમાં આ બીજી સદી છે. આફ્રિકા તરફથી કેશવ મહારાજે 3 અને સ્ટેન - ઓલિવરે 2-2 વિકેટ લીધી હતી. 
કુસલની કમાલ : રેકર્ડબ્રેક ઇનિંગ
રન લક્ષ્યાંકનો પીછો કરીને મળેલી જીતમાં પરેરા અને ફર્નાન્ડોની 78 રનની ભાગીદારી 10મી વિકેટની સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા પાકિસ્તાનના ઇન્ઝામ ઉલ હક અને મુશ્તાક અમહદે ઓસ્ટ્રેલિયા સામે 1994માં 10મી વિકેટમાં 57 રન ઉમેરીને જીત મેળવી હતી. પરેરાએ ચોથી ઇનિંગમાં અણનમ 153 રનનો વિજયી સ્કોર સંયુક્ત રીતે સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાએ ઓસ્ટ્રેલિયા સામે 1999માં અણનમ 153 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને 1 વિકેટે જીત અપાવી હતી. મેચ બાદ આફ્રિકાના સુકાનીએ હાર સ્વીકારીને કહ્યં કે પરેરાની ઇનિંગ સુપરમેન ઇનિંગ છે. હું તેની હિંમતને સલામ કરું છું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer