નારાયણ રાણે ન ઘરના ન ઘાટના, હવે એકલે હાથે ચૂંટણી લડશે

મુંબઈ, તા. 17 : ભાજપ-શિવસેનાનું તથા કૉંગ્રેસ-એનસીપીનું ગઠબંધન લગભગ આખરી સ્વરૂપમાં પહોંચી ગયું છે. ત્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટી (એમએસપી)ના વડા નારાયણ રાણે હવે રખડી પડયા છે. કોઈ પણ ગઠબંધન હવે રાણેને સમાવી લેવા તૈયાર નથી ત્યારે તેમણે એવી જાહેરાત કરી દીધી છે કે તેઓ હવે સ્વતંત્ર રીતે લોકસભાની ચૂંટણી લડશે અને તેમનો મોટો પુત્ર નીલેશ પક્ષના ઉમેદવાર તરીકે રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠક પરથી ચૂંટણી લડશે.
કૉંગ્રેસમાંથી છૂટા પડયા બાદ નારાયણ રાણેએ અૉક્ટોબર 2017માં એમએસપીની રચના કરી હતી. `બન્ને તરફ ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે પરંતુ અમે કોઇની પણ સાથે જોડાવાના નથી, અમે અમારી રીતે ચૂંટણી લડશું' એમ રાણેએ શુક્રવારે બાંદરાના રંગશારદા ખાતે પક્ષના કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું.
શિવસેનાએ ભાજપને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે, ગઠબંધનમાં રાણે કોઈ પણ રીતે રહેવા ન જોઇએ.
એનસીપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ કદાચ રત્નાગિરિ - સિંધુદુર્ગની બેઠક એનસીપી સાથે બદલશે. આ કેસમાં રાણે ઇચ્છે છે કે, આ બેઠક તેના પુત્ર નીલેશને આપે. જો કૉંગ્રેસ પાસેથી આ બેઠક મળશે તો એનસીપી રાણે સાથે આ બાબતમાં સમજૂતી કરવા ખુલ્લું મન ધરાવે છે. નીલેશ 2009માં આ બેઠક કૉંગ્રેસની ટિકિટ પર જીત્યો હતો અને 2014માં રાઉત સામે હારી ગયો હતો. આ જ વર્ષમાં  નારાયણ રાણે પણ શિવસેનાના વૈભવ નાઇક સામે હારી ગયા હતા. ત્યાર બાદ રાણે બાંદરા પૂર્વની વિધાનસભાની બેઠક પરથી લડયા હતા જે પણ તેમણે ગુમાવી હતી.
રાજકીય નિરીક્ષકો એવું માની રહ્યા છે કે, કોંકણના દબંગ રાજકારણી રાણેએ આ વિસ્તારમાં વર્ચસ્વ ગુમાવ્યું છે પરંતુ શિવસેના સામે તેઓ હજી પણ પડકાર ઊભો કરી શકે તેમ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer