શંકરાચાર્યે અયોધ્યા કૂચ અને શિલાન્યાસ કાર્યક્રમ કર્યો સ્થગિત

પુલવામા આતંકી હુમલા પછી બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને લેવાયોનિર્ણય

વારાણસી, તા.17: સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી પાછી ઠેલાઈ રહી છે અને સરકાર એ પહેલા રામમંદિર નિર્માણ માટે કોઈ પહેલ કરે તેવી સંભાવના દેખાતી નથી ત્યારે જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ આયોધ્યા કૂચ અને મંદિર શિલાન્યાસની ઘોષણા કરી હતી. જો કે આજે તેમણે પોતાનાં આ કાર્યક્રમને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. પુલવામા હુમલાને પગલે દેશની બદલાયેલી સ્થિતિને ધ્યાને લેતા રામાગ્રહ યાત્રા અને શિલાન્યાસ કાર્યક્રમ હાલ નહીં યોજવાનો નિર્ણય લેવાયો હોવાનું તેમનાં તરફથી જણાવવામાં આવ્યું છે.
શંકરાચાર્યનાં શિષ્ય અને યાત્રાનાં સંયોજક અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ આ અંગે વાતચીત થઈ ગઈ છે. તેમણે પણ દેશહિતને ધ્યાને રાખીને આ નિર્ણય પરત લેવા અનુરોધ કરેલો. 
અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે શંકરાચાર્યને સ્વાસ્થ્ય ઠીક ન હોવાનાં કારણે યાત્રા સ્થગિત કરવા અને તેનું સ્વરૂપ બદલવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેઓ આનાં માટે રાજી થતાં ન હતાં. પરંતુ જ્યારે તેમને પુલવામા હુમલાની ઘટનાઓથી વાકેફ કરવામાં આવ્યા ત્યારે તેમણે યાત્રા અને શિલાન્યાસ સ્થગિત કરવાનો ફેંસલો કરી લીધો હતો. તેમણે આગળ કહ્યું હતું કે આ વિપદાનાં સમયમાં તેમણે દેશને એકજૂથ રહીને આતંકવાદીઓ સામે દ્રઢતાનો પરચો આપવાં આહ્વાન કર્યુ છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer