કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં 4500 કરોડની નાણાકીય કટોકટી કેમ સર્જાઈ ?

મણિલાલ ગાલા અને કનૈયાલાલ જોષી તરફથી
મુંબઈ, તા. 17 : મુંબઈના કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના હજારો લોકોની લગભગ 4500 કરોડ રૂપિયાની રકમ સમાજના જ કેટલાક નાણાદલાલો અને કેટલાક જાણીતા બિઝનેસમેનો પાસે સલવાઈ છે. એ પાછી મેળવવા સમાજના બિઝનેસમેનો, ધારાશાસ્ત્રીઓ અને ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સના એક જૂથે કમર કસી છે જેને `કચ્છી સહિયારું અભિયાન' નામ આપવામાં આવ્યું છે અને તેમની મહેનત રંગ લાવી છે. જે નાણાદલાલો અને દેણદારો ઉદ્ધતાઈથી વાત કરતા હતા, ફોન ઉપાડતા નહોતા કે સાફ શબ્દોમાં કહી દેતા હતા કે અમારાથી કોઈ સગવડ નહીં થાય તેઓ હવે સીધી રીતે વાત કરવા લાગ્યા છે. કેટલાકે નાના-મધ્યમ લેણદારોને પૈસા ચૂકવવાની શરૂઆત પણ કરી દીધી છે. લગભગ પાંચેક ટકા રકમ પાછી મળી ચૂકી છે, એમ આ અભિયાનના અગ્રણી અને `રામદેવ ગ્રુપ'ના મોભી મહેન્દ્રભાઈ સંઘોઈએ જણાવ્યું હતું.
એક સમયે નાણાં ધીરધારીમાં કે સમાજના મધ્યમ તેમ જ નબળા વર્ગના લોકોને તેમના વેપાર-ધંધામાં આગળ આવવા નાણાકીય સહાય કરવામાં આગવી શાખ ધરાવતા આ સમાજમાં અચાનક આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ? એવા પ્રશ્નના ઉત્તરમાં મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે કરોડપતિઓને રાતોરાત અબજપતિ થવાની લાલચ અને લાય લાગી હતી. તેમણે તેમની પોતાની મૂળ બિઝનેસલાઇન છોડીને પ્રૉપર્ટીમાં વગરવિચાર્યું રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. કેટલાક નાણાદલાલ એ બિઝનેસમેનના પાર્ટનર બની ગયા હતા. તેમણે પણ લેણદારો સાથે વિશ્વાસઘાત શરૂ કર્યો. એક ટકાએ નાણાં વ્યાજે લઈને પોતે દોઢથી અઢી ટકા વ્યાજ પણ પાર્ટીઓ પાસેથી વસૂલવા લાગ્યા. કેટલાકે શૅરબજારમાં અવિચારી રોકાણ કર્યું અને આમ ને આમ સમાજનો નાનો અને મધ્યમ વર્ગ ફસાતો ગયો. જીવનભરની બચત અને તેમના પસીનાની કમાણી તેમણે આ શાહુકારો પાસે વ્યાજે મૂકી હતી. તેમને આશા હતી કે બૅન્કોનાં વ્યાજ ઘટી ગયાં છે ત્યારે તેમના પૈસાનું એકથી સવા ટકો વ્યાજ મળે તો તેમનું ગુજરાન ચાલે.
અનેક વિધવા બહેનો, ખાખરા કે ફેરી કરીને ગુજરાન ચલાવતા લોકો અને નોકરિયાતોના કરોડો રૂપિયા ફસાયા છે. પાંચ, દસ, પંદર કે પચીસ લાખ રૂપિયા ફસાયા હોય એવા હજારો લોકો છે. તેમના પૈસા પાછા મળે, તેમની બીમારી કે લગ્નપ્રસંગે કામ આવે અને તેઓ ડિપ્રેશનમાં ન સરકી પડે એવા ઉદ્દેશથી અમે આ અભિયાન શરૂ કર્યું છે અને એને ઘણો હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. દેણદારો અમારી ટીમ સાથે સારી રીતે વાત કરી રહ્યા છે. અમે બોલાવીએ તો આવી રહ્યા છે અને લેણદારો સાથેનું વર્તન પણ બદલાયું છે એમ મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું.
શું 2016ની 8 નવેમ્બરે થયેલી નોટબંધીથી પરિસ્થિતિ વણસી હતી ખરી? એના ઉત્તરમાં મહેન્દ્રભાઈ જણાવે છે કે ના, એવું નથી. ઊલટું, નોટબંધીએ તો સારું કર્યું, કારણ કે એનાથી લોકોને નાણાંની જરૂર પડી અને તેઓ નાણાં લેવા ગયા અને તેમને ખબર પડી કે અમારાં નાણાં ફસાયાં છે. જો નોટબંધી ન થઈ હોત તો હજી પણ કેટલો સમય ખબર પડી ન હોત કે આ નાણાદલાલો કે બિઝનેસમેનો બધી પોલંપોલ ચલાવે છે. એટલે આ પરપોટો ફૂટી ગયો, નહીં તો ખબર નહીં કે હજી આ 4500 કરોડનો આંકડો ક્યાં પહોંચ્યો હોત?
મહેન્દ્રભાઈએ કહ્યું હતું કે પાંચ લાખથી 25 લાખ સુધીની નાની રકમ જે લોકોની ફસાઈ છે એ બધું મળીને માંડ 80થી 100 કરોડની રકમ થતી હશે. એટલે પ્રથમ અમે એ લોકોને તેમની પૂરી રકમ મળી જાય એવા પ્રયાસો કરી રહ્યા છીએ. નાના માણસોને જીવનનિર્વાહમાં તકલીફ ન થાય એ અમારું પ્રથમ લક્ષ્ય છે. બાકી મોટા બિઝનેસમેનોની 10 કરોડથી માંડીને 100 કરોડની રકમ સલવાઈ છે. જોકે તેમને માટે જીવનનિર્વાહનો પ્રશ્ન નથી. એ રકમ પાછી મેળવવાના પ્રયાસો જારી રહેશે. જોકે એને લાંબો સમય લાગશે, આઠ-દસ વર્ષ પણ નીકળી જાય.
તેમણે કહ્યું હતું કે માંડ 8થી 10 નાણાદલાલો અને 15થી 20 પાર્ટીઓમાં જ લોકોનાં નાણાં ફસાયાં છે. તેમની સાથે વાટાઘાટો ચાલી રહી છે જેનું હકારાત્મક પરિણામ આવી રહ્યું છે. દેણદારો સાથે મીટિંગો થઈ રહી છે. તેમની ફસાયેલી પ્રૉપર્ટીઓ કેમ નીકળે એના માર્ગો પણ વિચારાઈ રહ્યા છે. સમય લાગશે, પરંતુ સમાજના ફસાયેલા નબળા અને મધ્યમ વર્ગને ઉગારીને જ અમે જંપીશું એવો નિર્ધાર મહેન્દ્રભાઈએ `સહિયારું અભિયાન' વતી વ્યક્ત કર્યો હતો.
Published on: Mon, 18 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer