પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનું ગળું ઘોંટવા તૈયારી

આર્થિક કાળી યાદીમાં મૂકવા એફએટીએફને ડોઝિયર સોંપશે ભારત

નવી દિલ્હી/પેરિસ, તા. 17 : પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત કુટનીતિક અને રાજકીય સ્તરે પાકિસ્તાનને ભીંસમાં લેવા અને દુનિયામાં અટૂલું પાડવાના પગલાં ભરી રહ્યું છે. પહેલેથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પ્રહાર કરવાના પ્રયાસો પણ ભારતે આરંભી દીધા છે. ભારત અત્યારે પાકિસ્તાની અર્થવ્યવસ્થાને દુનિયામાં `બ્લેકલિસ્ટ' કરાવવાની તૈયારીમાં છે. ભારત પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી ચૂક્યું છે અને પાકિસ્તાનથી આયાત થતી ચીજો પર કસ્ટમ ડયૂટી 200 ટકા વધારી દીધી છે.
દુનિયાભરમાં આતંકી ફન્ડિંગ અને હવાલા સામે કામ કરનારી સંસ્થા ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સને ભારત દસ્તાવેજો (ડોઝિયર) સોંપશે અને પાડોશી રાષ્ટ્રને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરશે. 
ઉલ્લેખનીય છે કે એફએટીએફે ગયા વર્ષે જુલાઈમાં જ પાકિસ્તાનને `ગ્રે લિસ્ટ'માં સામેલ કર્યું હતું. સાથે જ તેને એવી ચેતવણી પણ આપી હતી કે જો પાકિસ્તાન સુધરશે નહીં તો તેને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી શકે છે. આવતા સપ્તાહે એફએટીએફની પેરિસમાં વાર્ષિક બેઠક યોજાશે ત્યારે આ બેઠક દરમ્યાન ભારતના ડોઝિયર પર વિચાર કરીને પાકને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે.
સુરક્ષાદળો અત્યાર સુધી એકત્ર કરવામાં આવેલા પુરાવાના આધારે ડોઝિયર તૈયાર કરી રહ્યા છે. ભારત તરફથી એફએટીએફને બતાવવામાં આવશે કે કઈ રીતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં સીઆરપીએફ પર આત્મઘાતી હુમલાનું કાવતરું રચ્યું હતું.
એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, એફએટીએફની બેઠક દરમ્યાન ભારત પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવા દબાણ બનાવશે. હાલમાં એફએટીએફે ઈરાન અને ઉત્તર કોરિયાને બ્લેકલિસ્ટ કરેલા છે.
ઉલ્લેખનીય છે કે, એફએટીએફ તરફથી બ્લેકલિસ્ટ કરવાનો મતલબ એ થાય છે કે, સંબંધિત દેશ મની લોન્ડ્રિંગ અને આતંકી ભંડોળ સામેના જંગમાં સહયોગ આપતો નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer