મુંબઈ-સુરત વચ્ચે પણ હવે વંદે ભારત એક્સ્પ્રેસ દોડાવાશે

મુંબઈ-સુરત વચ્ચે પણ હવે વંદે ભારત એક્સ્પ્રેસ દોડાવાશે
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 17 : હવે વંદે ભારત એક્સ્પ્રેસ સેમિ હાઈસ્પીડ ટ્રેન મુંબઈ અને સુરત વચ્ચે પણ ટૂંકમાં શરૂ કરવામાં આવશે.
આ માહિતી રેલવેપ્રધાન પીયૂષ ગોયલે વંદે ભારત એકસ્પ્રેસની ઉદ્ઘાટન યાત્રા દરમિયાન પત્રકારોને આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ફેબ્રુઆરીના શુક્રવારે નવી દિલ્હી ખાતે લીલી ઝંડી આપીને વારાણસી સુધી જતી વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે મુંબઈ અને સુરત વચ્ચે લોકો વ્યાપારિક હેતુઓ માટે અવરજવર કરતા હોય છે અને આ સંખ્યા ઘણી મોટી છે અને આ માટે કોઈ યોગ્ય હવાઈ સેવા નથી. આ વાતને ધ્યાનમાં લઈને મુંબઈ-સુરત વચ્ચે આ સેમિ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવાની યોજના છે.
મુંબઈ અને સુરત વચ્ચે આ ટ્રેન ક્યારે શરૂ થશે એવા સવાલના જવાબમાં ગોયલે જણાવ્યું હતું કે તમને ટૂંક સમયમાં ખુશખબર મળશે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન વિશે પૂછવામાં આવતા ગોયલે જણાવ્યું હતું કે નિર્ધારીત સમયે શરૂ થશે એવું અમારું અનુમાન છે. જમીનની સમસ્યા છે, પણ વાટાઘાટો દ્વારા આ સમસ્યા હલ કરી લેવામાં આવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer