આતંકવાદ સામે આક્રોશ : શહીદોને શ્રદ્ધાંજલિ

આતંકવાદ સામે આક્રોશ : શહીદોને શ્રદ્ધાંજલિ
આજે દેશભરમાં `વેપાર બંધ'ની કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સની હાકલ

મુંબઈ, તા. 17 : કાશ્મીરના પુલવામામાં થયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા 18 ફેબ્રુઆરીએ સોમવારે `ભારત વેપાર બંધ'ની હાકલ કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ કરી છે. સીએઆઇટીના રાષ્ટ્રીય પ્રમુખ સી. ભરતિયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે અખબારી યાદી બહાર પાડીને જાહેરાત કરી હતી કે સોમવારે દિલ્હી અને મુંબઈ સહિત દેશભરની તમામ જથ્થાબંધ અને છૂટક બજારો બંધ રહેશે અને વેપારી વર્ગ કોઈ પણ પ્રકારનો વેપાર નહીં કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. એ સાથે જ સીએઆઇટીએ દેશભરમાં ચીની સામાનના બહિષ્કારની ઝુંબેશ પણ શરૂ કરી છે અને પુલવામામાં થયેલા હુમલા બાદ કથિત વિવાદિત નિવેદન કરનારા પંજાબના પ્રધાન નવજોત સિંહ સિદ્ધુની પ્રધાનપદેથી હકાલપટ્ટી કરવાની માગણી પણ કરી છે. 
ભરતિયાએ કહ્યું હતું કે આવતી કાલે ભારતમાં વેપાર બંધ રહેવા ઉપરાંત દિલ્હીમાં ચાંદની ચૌક ખાતેના ઘંટાઘરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. એ જ રીતેઅન્ય શહેરોમાં પણ ફેડરેશનના હોદ્દેદારો શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને આ જઘન્ય કૃત્યનો બદલો લેવામાં આવે તથા વેપારી વર્ગ સરકારની સાથે છે એવી અપીલ કરવામાં આવશે. ખંડેલવાલે કહ્યું હતું કે ફેડરેશનના 7 કરોડ સભ્ય વેપારીઓ આ બંધમાં જોડાશે. એ ઉપરાંત અન્ય વેપારી સંગઠનો પણ વેપાર બંધમાં જોડાશે અને દેશનો વેપારી વર્ગ આ દુખની ઘડીમાં દેશવાસીઓ તથા સરકારની સાથે છે એવો સંદેશો આપશે. જોકે સામાન્ય જનતા માટે જીવનજરૂરી અને અત્યાવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો મળી રહે એ માટે ટ્રેડ ટ્રાન્સપોર્ટ અને આવા વેપાર આ બંધમાં નહીં જોડાય એવી સ્પષ્ટતા પણ ફેડરેશન તરફથી કરવામાં આવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer