અમદાવાદમાં કૅન્ડલ માર્ચ વખતે હિંસા

અમદાવાદમાં કૅન્ડલ માર્ચ વખતે હિંસા
પાકિસ્તાન મુર્દાબાદના નારા બાદ પથ્થરમારો : પોલીસ વાહનને પણ આગ ચંપાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.17 : જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે જવાનો શહીદ થતાં પૂરા દેશની પ્રજામાં ગુસ્સાની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે અમદાવાદના શાહપુરમાં પણ કેન્ડલ માર્ચનું આયોજન થયું હતું. આ સમયે પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા બાદ કાંકરીચાળો થયો હતો અને બે જૂથ સામસામે આવી ગયા હતા. જેના પગલે હિંસાનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના પગલે બન્ને જૂથના 200ના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી  પોલીસે 35 લોકોની અટકાયત કરી છે. આ ઘટનામાં બે પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ઘટનાને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા સાત જેટલા ટિયરગૅસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી. 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તાર પાસે શહીદ જવાનોની યાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યુ ંહતું. આ સમયે કેન્ડલ માર્ચ દિલ્હી દરવાજાથી  રેંટિયાવાડી તરફ જઇ રહી હતી ત્યારે શાહપુર વિસ્તારમાં આવેલા નાગોરીવાડ પાસે અચાનક બે જૂથ સામસામે આવી ગયા અને વાતાવરણ તંગ બની ગયું હતું. કોઇ સમજે તે પહેલાં તો મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને કેટલાક અસામાજિક તત્ત્વે રૅલી પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
આ ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું્ હતું. ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોંચતા તેની ઉપર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટોળાએ પોલીસના વાહનમાં તોડફોડ કરી હતી. ટોળાએ વાહનોને આગચંપી શરૂ કરી દીધી હતી. પોલીસે તાત્કાલિક મદદ માટે મોટો કાફલો મગાવવો પડયો હતો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસે પરિસ્થિતિને પહોંચી વળવા તેમ જ ટોળાને વિખેરવા ટિયરગૅસના સેલ છોડવા પડયા હતા. હાલ પરિસ્થિતિ કાબૂ હેઠળ છે અને સમગ્ર વિસ્તારમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં  આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer