ભાગલાવાદી નેતાઓનું સુરક્ષા આવરણ દૂર

ભાગલાવાદી નેતાઓનું સુરક્ષા આવરણ દૂર
નવી દિલ્હી, તા. 17 : પુલવામા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટું પગલું લીધું છે. ગૃહ મંત્રાલય દ્વારા આદેશ બાદ જમ્મુ-કાશ્મીર પ્રશાસને હુર્રિયત અને ભાગલાવાદી નેતાઓ મીરવેઝ ઉમર ફારૂક, અબ્દુલગની બટ્ટ, બિલાલ લોન, ફઝલ હક્ક કુરેશી અને શબ્બીર શાહની સરકારી સુરક્ષા પાછી ખેંચી લીધી છે.
આ સુરક્ષાની સુવિધા પાછી ખેંચાઇ જતાં બોખલાયેલા અલગતાવાદી નેતા અબ્દુલગની બટ્ટે કહ્યું હતું કે, તેમને રાજ્ય સરકાર તરફથી અપાતી સુરક્ષાની કોઇ જરૂર જ નથી.
ગૃહ મંત્રાલયના આ આદેશનો અમલ રવિવારની સાંજથી જ કરી દેવાયો હતો. નવા આદેશ બાદ સુરક્ષા ઉપરાંત હુર્રિયત, ભાગલાવાદી નેતાઓને વાહનો સહિતની તમામ સુવિધા પાછી ખેંચી લેવાઇ છે.
જોકે, કાશ્મીર પ્રશાસનના આદેશમાં પાકિસ્તાન પરસ્ત ભાગલાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાનીનું નામ નથી. અહેવાલ અનુસાર, હુર્રિયતના ભાગલાવાદી નેતાઓને લગભગ 10 વર્ષ પહેલાં આ સુરક્ષા અપાઇ  હતી. 
તે વખતે અલગતાવાદી નેતાઓ આતંકવાદીઓના નિશાને હતા. ઉલ્લેખનીય છે કે આતંકી હુમલા બાદ ગૃહમંત્રી રાજનાથસિંહે પાક અને આઇ- એસઆઇની મદદ લેનારાઓની સુરક્ષાની સમીક્ષા કરવાની ઘોષણા કરી હતી. એ ફેંસલા પર અમલ કરાયો છે. પુલવામા આતંકી હુમલા    બાદ કાશ્મીરના અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચવાની માંગ દેશભરમાં ઊઠી હતી.  
સુરક્ષા હટાવી લેવાતાં હતાશાથી ઘેરાયેલા ભાગલાવાદી નેતા બટ્ટે કહ્યું હતું કે, અમારે સરકારી સુરક્ષાની કોઇ જરૂર નથી. કાશ્મીરીઓ જ અમારી સુરક્ષા છે.
Published on: Mon, 18 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer