જે આગ તમારા હૃદયમાં છે એ મારા દિલમાં પણ છે મોદી

જે આગ તમારા હૃદયમાં છે એ મારા દિલમાં પણ છે મોદી
બિહારમાં પટણા મેટ્રો રેલ સેવા સહિતની યોજનાઓનાં લોકાર્પણ-શિલાન્યાસ વખતે કર્યો પુલવામા હુમલાનો ઉલ્લેખ
બરૌની, તા. 17 (પીટીઆઈ): પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાએ દેશભરને આઘાત આપ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના બરૌની જીલ્લામાં વિકાસ યોજનાઓનું શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા ત્યારે પણ ઘટનાના પડઘા પડયા હતા. વડાપ્રધાને મંચ ઉપરથી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, લોકોના હૃદયમાં જે આગ છે તેનો અનુભવ કરી શકું છું અને આ જ આગ મારા હૃદયમાં પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બિહારની મુલાકાતે હતા. જ્યાં કરોડોની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. પીએમએ 13,365 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી પટણાની મેટ્રો રેલ સેવાનું શિલાન્યાસ કર્યું હતું. સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાને પોતાના ભાષણની શરૂઆત મૈથિલીમાંથી કરી હતી. આ દરમિયાન પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. 
મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, સ્વાસ્થ્ય સેવાઓની દ્રષ્ટિએ આજે બિહારમાં ઐતિહાસિક દિવસ છે. છપરા અને પૂર્ણિયામાં નવી મેડિકલ કોલેજ બનવાની છે. જ્યારે ભાગલપુર અને ગયાની મેડિકલ કોલેજને અપગ્રેડ કરવામાં આવશે.
બિહારમાં પટણા એમ્સ ઉપરાંત અન્ય એમ્સ બનાવવા ઉપર પણ કામ ચાલી રહ્યું છે. 
મોદીએ ઉમેર્યું હતું કે, બિહાર સહિત પૂર્વી ભારતની કાયાકલ્પ કરવાના લક્ષ્ય સાથે શરૂ થયેલી અનેક પરિયોજનાઓમાં પ્રધાનમંત્રી ઉર્જા ગંગા યોજના પણ છે.
આ યોજનાના માધ્યમથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાને ગેસ પાઈપ લાઈનથી જોડવામાં આવી રહ્યા છે.
બરૌનીમાં સભા સંબોધિત કરતા મુખ્યમંત્રી નિતિશ કુમારે કહ્યું હતું કે, પુલવામામાં જે ઘટના ઘટી છે તેના માટે પુરો દેશ આક્રોશિત છે. દરેક હિન્દૂસ્તાનીના મનમાં જોરદાર બદલો લેવાનો વિચાર છે. પુલવામા હુમલો કાયરતાપૂર્ણ હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer