આ વર્ષે રિતિક રોશન વધુ એક ફિલ્મ કરશે?

આ વર્ષે રિતિક રોશન વધુ એક ફિલ્મ કરશે?
રાકેશ રોશનની આગામી ફિલ્મ ક્રિશ-4નું શૂટિંગ હવે 2020માં શરૂ થવાનું હોવાથી રિતિક રોશન પાસે આ વર્ષની તારીખો ફાજલ પડી છે. નોંધનીય છે કે ફિલ્મ ક્રિશ-4  આવતા વર્ષની ક્રિસમસમાં રજૂ થશે. રાકેશને કૅન્સર હોવાનું નિદાન તાજેતરમાં થયું હતું અને તેણે તેની સર્જરી પણ કરાવી છે. આથી ક્રિશ-4નું કામ શરૂ કરતા પહેલા તે પોતાની સારવાર પૂરી કરવા માગે છે. ફિલ્મની પટકથા તૈયાર છે પણ તેમાં થોડા બારીક ફેરફાર કરવાની જરૂર છે. વળી ફિલ્મમાં વીએફએક્સ ટેક્નિકનો મહત્તમ ઉપયોગ થવાનો હોવાથી પણ શૂટિંગની તૈયારીમાં વધુ સમય લાગશે. સેટ પર ઘણા વીએફએક્સ સુપરવાઇઝરે હાજર રહેવું પડશે અને તેમણે પટકથાનો અભ્યાસ કરવો પડશે. રાકેશ આ બધી બાબતોનો વિચાર કરીને તે અનુરૂપ તૈયારી કરાવી રહ્યા છે જેથી શૂટિંગ બરોબર થાય અને પોસ્ટ પ્રોડકશન કામ પણ સરળતાથી પૂરું થાય. આ બધાનો સરવાળો એ થાય છે કે આ વર્ષના છ મહિના રિતિક પાસે નવરો હશે જે તેને બીજી ફિલ્મ કરવાનો અવકાશ આપે છે. જોકે,અહીં મુખ્ય વાત એ છે કે રિતિક બીજી ફિલ્મ કરવાનું પસંદ કરે છે કે પિતાને કામમાં મદદ કરવાનું સ્વીકારે છે તે જોવું રહ્યું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer