સુરક્ષાની મોટી ચૂક અંગે વડા પ્રધાન ખુલાસો કરે કૉંગ્રેસ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : પુલવામા આતંકવાદી હુમલા બાદની પોતાની ચુપકીદી તોડતાં કૉંગ્રેસે મંગળવારે આ મુદ્દે સરકાર પર હુમલો કરતાં `સુરક્ષાની મોટી ચૂક'નો આક્ષેપ કર્યો હતો અને આ અંગે ખુલાસો કરવા વડા પ્રધાનને જણાવ્યું હતું અને `કહો તે કરી બતાવો' એવો પડકાર ફેંક્યો હતો. કૉંગ્રેસે આ પ્રતિક્રિયા અંગે યોગ્ય સમયની  રાહ જોઈ હતી અને શ્રીનગરમાં લેફટનન્ટ જનરલ કંવલજીત સિંઘ ધિલ્લોનના સત્તાવાર નિવેદન બાદ આ પ્રતિક્રિયા આપી હતી. 
ધિલ્લોને જણાવ્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલા કે જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા તેના 100 કલાક કરતાં ઓછા સમયમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
એકાદ બે દિવસ સુધી પુલવામા આતંકવાદી હુમલા પર કોઈ ટિપ્પણી ન કરવી એવા પક્ષપ્રમુખ રાહુલ ગાંધીના આદેશને અનુસરીને મંગળવારે પક્ષના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે કૉંગ્રેસે પુલવામા હુમલા બાદ ભારે જવાબદારીપૂર્વક સંયમ રાખ્યો હતો. 2014 પહેલાં એક નાના હુમલા માટે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના રાજીનામાની માગણી સહિતના ભારે ઉશ્કેરણીજનક નિવેદનો વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે કર્યા હતા. `અમે ઉરીના હુમલા, સંસદના હુમલા અને પુલવામાના હુમલા બાદ આવાં નિવેદનો કર્યાં નહોતાં. એક જ વેળા 78 વાહનોમાં 2500 જવાનોને લઈ જવાની ગંભીર સુરક્ષા ચૂક કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2018થી જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંભવિત હુમલાની સીધી ગુપ્તચર ચેતવણીને અવગણના કરવામાં આવી હતી અને સાથે સાથે એ જ માર્ગ પર કોઈ પણ નાગરિક દ્વારા હંકારાતા વાહનને છૂટ આપવામાં આવી હતી.
કૉંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ પુલવામા હુમલા મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. `મોદીજી તમે કહો છો કે, મંત્રણાનો સમય પૂરો થયો છે. તમે કદાચ સાચા છો, પરંતુ હવે તો ખુલાસો કરવાનો સમય છે. અમને વચન આપો કે હવે વધુ ``જપ્પીસ'' નહીં આપો. જન્મદિવસના વધુ આલિંગનો નહીં આપો.' પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફના જન્મદિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની અચાનક મુલાકાતનો ઉલ્લેખ કરતાં સિબ્બલે ઉપર મુજબ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer