પુલવામા હુમલા પાછળ હાથ હોવાના પુરાવા આપો, પગલાં લઈશું : ઈમરાન

ભારત હુમલો કરશે તો પલટવારની ધમકી પણ ઉચ્ચારી

નવી દિલ્હી, તા. 19: પુલવામાના હુમલા પાછળ ઇસ્લામાબાદ રહ્યું હોવાનાં પગલાં લઈ શકાય તેવા પુરાવા પૂરા પાડશો તો પાકિસ્તાન પગલાં લેશે એમ પાક વડા પ્રધાન ઈમરાનખાને આજે જણાવવા સાથે, ભારત દ્વારા બદલો લેવા માટેનાં વળતા પગલાં સામે ચેતવણી ય ઉચ્ચારી હતી. એક વીડિયો સંદેશમાં ખાને જણાવ્યું હતું કે મારા દેશ સામેના આક્ષેપો કોઈ પુરાવા વગરના છે અને પાક જ્યારે સ્થિરતા ભણી જઈ રહ્યું છે ત્યારે તે આતંકી હુમલો કરે તે તેના હિતમાં નથી. ખાને તેમની સુફિયાણી વાત લંબાવતાં વધુમાં કહ્યંy હતું કે અમારી ભૂમિ પરથી કોઈ હિંસા ફેલાવે તે અમારા હિતમાં નથી. હું ભારત સરકારને એ કહેવા માગું છું કે પાકમાંના કોઈની વિરુદ્ધના પુરાવા મળી આવે તો અમે પગલાં લેશું.
જો ભારત બદલો લેવા પગલાં લેશે અમે ય વળતા પગલાં લેશું એમ જણાવી ખાને ઉમેર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ શરૂ કરવું એ માનવીના હાથમાં છે, પણ તે ક્યાં લઈ જાય છે તે તો ખુદા જ જાણે. આ પ્રશ્નને સંવાદ મારફત ઉકેલવી રહી. આ તો નવું પાકિસ્તાન, નવી માનસિકતા અને નવી સોચ છે, અમે ય આતંકનો ખાત્મો કરવા માગીએ છીએ. 15 વર્ષમાં પાકમાં આતંકવાદથી 70 હજાર લોકો માર્યા ગયા છે, હવે આતંકવાદ ઘટતો જઈ રહ્યો છે અને ક્ષિતિજે શાંતિ ડોકાઈ રહી છે. પાક સ્થિરતા ભણી આગળ વધી રહ્યું છે અમે શા માટે હુમલા કરાવીએ, અમને એમાંથી શો લાભ થવાનો છે ?! - એવો સવાલ ખાને કર્યો હતો.
થોડા દિવસ પહેલાં પુલવામામાં હુમલો થયો. પાક પર આળ મુકાયું હતું તે જોતાં મારે તત્કાળ પ્રતિસાદ આપવો જોઈતો હતો પરંતુ સાઉદી અરેબિયાના પાટવી કુંવર પાક આવ્યા હતા અને વળી મૂડીરોકાણ માટેની પરિષદ ચાલી રહી હોઈ મેં વિચાર્યું કે પછીથી પ્રતિસાદ આપીશ જેથી પ્રિન્સની મુલાકાત વેળા ધ્યાન ડાયવર્ટ ન થાય. હવે તેમની મુલાકાત પૂરી થઈ હોઈ જવાબ આપવા નિર્ણય કર્યો એમ ખાને કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer