વડોદરામાં ઉદ્યોગપતિને પુત્રના અપહરણની ધમકી આપતો પત્ર

વડોદરામાં ઉદ્યોગપતિને પુત્રના અપહરણની ધમકી આપતો પત્ર
2024માં રકમ વ્યાજ સાથે પાછી કરવાનું પણ લખ્યું

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 19 : વડોદરા શહેરના એક ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપીને 25 લાખ રૂપિયાની ખંડણી માગનાર વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આર્થિક ભીંસમાં આવી ગયેલા એક શખસે ઉદ્યોગપતિને નનામો પત્ર લખ્યો છે જેમાં તેણે 25 લાખ રૂપિયા તા. 14-2-2024ના દિને એક ટકો વ્યાજ સાથે 40 લાખ રૂપિયા પાછા કરવાની ખાતરી પણ આપી હતી. 
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારના ઉદ્યોગપતિ વિનોદભાઈ પટેલ (નામ બદલ્યુ છે)ને તા. 13-2-'19ના રોજ બંધ કવરમાં એક નનામો પત્ર મળ્યો હતો. કવર પર લખ્યું હતું કે સબ કામ છોડ કર પહલે પઢો અરજન્ટ. પત્રમાં  લખ્યું હતું કે મારે રૂપિયા 25 લાખની જરૂર છે. આ રકમ હું તમને પાંચ વર્ષ પછી તા. 14-2-'24માં રૂપિયા 40 લાખ એક ટકો વ્યાજ સાથે પરત કરી દઈશ. આ બાબતને ગંભીરતાથી લેજો. નહીં તો તમારા મોટા પુત્ર રોહન(નામ બદલ્યુ)નું અપહરણ કરી જઈશ અને તેને મારી નાખીશ. તેણે વધુમાં જણાવ્યું છે કે રૂપિયા 25 લાખ કયાં પહોંચાડવા એનું સ્થળ અને મૅપ આપ્યો છે. રૂપિયા 25 લાખ ટુ-વ્હીલર પર સ્કૂલબૅગમાં મૂકવા આવજો. મને ઉછીના આપો છો એમ સમજીને મને આપજો. તમારા માટે રૂપિયા 25 લાખ તમારા પુત્ર કરતાં વધારે નથી. તમે પોલીસ પાસે જઈ શકો છો, પરંતુ પોલીસ મને પકડી શકશે નહીં.
રોહનના પિતા વિનોદભાઈ પટેલે( બન્ને નામ બદલ્યાં છે) ડીસીપી ક્રાઇમ બ્રાંચનો સંપર્ક સાધ્યો છે. ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ પત્રને ગંભીરતાથી લઈ અપહરણની ધમકી આપનારને શોધી કાઢવા માટે પોલીસ ટીમો કામે લગાડી દીધી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer