રેતીનો વિકલ્પ મળ્યો

રેતીનો વિકલ્પ મળ્યો
ક્રશ સૅન્ડનો બાંધકામમાં ઉપયોગ કરી શકાશે, સરકારે આપી માન્યતા

ચંદ્રપુર, તા. 19 : છેલ્લા કેટલાક સમયથી રેતીની સમસ્યાઓથી પરેશાન કોન્ટ્રેક્ટરો અને બીલ્ડરોને રેતીનો પર્યાય મળતા રાહતનો શ્વાસ લીધો છે. આ પર્યાયને સરકાર અને નિષ્ણાતોએ પણ માન્યતા આપી છે. છેલ્લા કેટલાક મહિનાથી રેતીના પટ્ટાની લિલામી થઈ નથી. તેને કારણે સરકારી અને ખાનગી બાંધકામો રખડી પડયા છે. મજુરોની પણ કામ ન મળતીં હોવાની ફરિયાદ સતત વધી રહી છે. એટલે મશીન દ્વારા રેતી તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મશીનમાં તૈયાર થયેલી રેતી `ક્રશ સેન્ડ' તરીકે ઓળખાશે.
કેટલાક મહિનાઓથી મહારાષ્ટ્રમાં રેતીના પટ્ટાની લિલામી થઈ નથી અને વિદર્ભમાં રેતીના પટ્ટાની નિલામીનો પ્રશ્ન કોર્ટમાં હોવાથી બાંધકામ માટે રેતી ઉપલબ્ધ થતી નથી. તો બીજી બાજુ રેતી ચોરીને વેચવાના બનાવો પણ સતત વધી રહ્યા છે. તેને કારણે રેતીની માગણી વધી રહી છે. તેમ છતા ખાનગી બાંધકામો તો ચાલુ જ છે. સરકારના બાંધકામમાં જે સામગ્રી વાપરવામાં આવે છે તેની પરવાનગી હોવી ખૂબ જરૂરી છે. પરવાનગી સિવાય કોન્ટ્રેક્ટરોને પૈસા ચુકવવામાં બહુ મુશ્કેલી થાય છે. તેથી સરકારનું બાંધકામ કરતા કોન્ટ્રેક્ટરો માટે રેતી મોટો પ્રશ્ન બન્યો હતો. જેને કારણે બાંધકામની અનેક યોજનાઓ રખડી પડી હતી. ક્રશરમાંથી એક બાજુથી એકદમ બારીક રેતી નીકળે અને બીજી બાજુ પાવડર નીકળે. તે પાવડર પાણીથી ક્રશરમાં ધોવામાં આવે અને રેતી જેવા બારીક કણ ક્રેશ સેન્ડ તરીકે વાપરવાની પરવાનગી સરકારે આપી છે. નિષ્ણાતોના મતે, ક્રશ સેન્ડ વાપરવાથી બાંધકામની ગુણવત્તા સુધરે છે. ક્રશ સેન્ડ અને રેતીના ભાવમાં પણ બહુ તફાવત નથી. તેથી બાંધકામમાં રેતીના પર્યાય તરીકે ક્રશ સેન્ડ વાપરી શકાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer