50 લિટરથી વધુ તેલ વાપરનારાઓ વિરુદ્ધ FDA કાર્યવાહી થશે

50 લિટરથી વધુ તેલ વાપરનારાઓ વિરુદ્ધ FDA કાર્યવાહી થશે
ત્રણથી વધુ વખત વપરાયેલા તેલમાં તળેલી વસ્તુ ઘાતક નીવડી શકે છે

મુંબઈ, તા. 19 : નાના-નાના વેપારધંધાવાળાઓ ખાદ્ય તેલનો પાંચથી છ વખત ફ્રાય કરવામાં ઉપયોગ કરે છે, પરંતુ એકાદ ખાદ્ય પદાર્થને ત્રણથી વધુ વખત વપરાયેલા તેલમાં ફ્રાય કરવામાં આવે તો એમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ (ટીપીસી) ઘટક 25 ટકાથી વધી જાય છે. જો ટીપીસીનું પ્રમાણ વધી જાય તો એ શરીર માટે ઘાતક પુરવાર થાય છે. એને ધ્યાનમાં લઈને હવે મોટી-મોટી કંપનીઓમાં પણ 50 લિટરથી વધુ ખાદ્ય તેલ વપરાતું હોય તો એ કંપનીએ દર દિવસે કેટલાં લિટર તેલ વાપર્યું, કયા પદાર્થ (શાકાહારી કે માંસાહારી) માટે ખાદ્ય તેલ વાપર્યું એનો હિસાબ આપવો પડશે, અન્યથા ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટેશન (એફડીએ)ની કાર્યવાહીનો ભોગ બનવું પડશે.
અગાઉ મોટી કંપનીઓ એક વખત પદાર્થ તળ્યા બાદ એ ખાદ્ય તેલ ફેરિયાઓને વેચી દેતા હતા, પણ હવે આવું તેલ બહાર વેચવા પર પ્રતિબંધ મુકાયો છે. વપરાયેલું તેલ બાયોડીઝલ કંપનીને આપી દેવું પડે અથવા પર્યાવરણના નિયમ પ્રમાણે એનો નિકાલ કરવો જરૂરી છે. એકાદ ખાદ્ય તેલમાં ત્રણ વખત ખાદ્ય પદાર્થ તળીને એ તેલનો ચોથી વખત વપરાશ ન કરતાં એનો નિકાલ કરવો જરૂરી છે. એ માટે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ અમુક નિયમ બનાવ્યા છે. એ નિયમની અમલબજાવણી 1 માર્ચથી કરવામાં આવશે. એની સાથોસાથ ખાદ્ય પદાર્થમાં મેંદો કે ઘઉં વાપર્યા છે એની પણ ફરજિયાત નોંધ કરવી પડશે.
અમુક કંપનીઓ ઘઉં અને મેંદો મિક્સ કરીને વસ્તુ બનાવે છે. હવે એફએસએસએઆઇ દ્વારા જણાવાયું છે કે મેંદો અને ઘઉં એ બન્ને અલગ છે એટલે જે કંપની બજારમાં પોતાની વસ્તુઓ મૂકશે એણે એ વસ્તુ મેંદામાંથી બનાવી છે કે ઘઉંમાંથી બનાવી છે એ જણાવવું ફરજિયાત છે. 
અમુક કંપનીઓ મેંદો વાપર્યા પછી એની વસ્તુ પર ઘઉંમાંથી બનાવાઈ હોવાનો ઉલ્લેખ કરે છે. મેંદો શરીર માટે બહુ સારો નથી હોતો એટલે લોકોએ કાળજીપૂર્વક તપાસીને વસ્તુઓ લેવી એવું એફડીએ દ્વારા જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer