ઝારખંડની `યુવા'' સંસ્થાને પ્રતિષ્ઠિત લોરિયસ એવૉર્ડ

ઝારખંડની `યુવા'' સંસ્થાને પ્રતિષ્ઠિત લોરિયસ એવૉર્ડ
જોકોવિચ શ્રેષ્ઠ ખેલાડી: વિનેશ ફોગાટ ઇતિહાસ રચતાંચૂકી
મોનાકો, તા.19: સર્બિયાનો ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ, અમેરિકી જિમનાસ્ટ સિમોન બાઇલ્સ, અનુભવી ગોલ્ફર ટાઇગર વૂડસ અને ફૂટબોલ વર્લ્ડ કપ ચેમ્પિયન ફ્રાંસની ટીમ પ્રતિષ્ઠિત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટસ એવોર્ડ જીતવામાં સફળ રહયા હતા. ખાસ વાત એ રહી હતી કે આ વખતે ભારતના ઝારંખડના ગ્રામિણ વિસ્તારમાં કામ કરનારી સંસ્થા `યુવા'ને લોરિયસ સ્પોર્ટ ફોર ગુડ એવોર્ડ એનાયત થયો હતો. આ સંસ્થા ફૂટબોલની મદદથી વંચિત યુવતીઓના જીવનમાં સુધારો કરવાનું કામ કરે છે. બીજી તરફ ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ આ એવોર્ડ ચૂકી ગઇ હતી. તે લોરિયસ એવોર્ડ માટે નોમિનેટ થનારી પહેલી ભારતીય ખેલાડી હતી.
જોકોવિચે કોણીની ઇજામાંથી બહાર આવીને ત્રણ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ જીતી છે. તેણે આ એવોર્ડ ચોથીવાર જીત્યો છે. રોઝર ફેડરર રેકોર્ડ પાંચ વખત લોરિયસ એવોર્ડ જીતી ચૂકયો છે. અમેરિકી જિમનાસ્ટ સિમોન બાઇલ્સ વર્ષની શ્રેષ્ઠ મહિલા રમતવીર જાહેર થઇ હતી. તેણેએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ચાર ગોલ્ડ અને એક-એક સિલ્વર-બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ફીફા વર્લ્ડ ચેમ્પિયન ફ્રાંસની ફૂટબોલ ટીમ શ્રેષ્ઠ ટીમ જાહેર થઇ હતી. જાપાનની પહેલી ગ્રાંડસ્લેમ વિજેતા મહિલા ખેલાડી નાઓમી ઓસાકાને બ્રેક થ્રૂ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થયો હતો. અમેરિકી ગોલ્ફર ટાઇગર વૂડસ વર્ષનો શ્રેષ્ઠ વાપસી કરનારો ખેલાડી બન્યો હતો. આ કેટેગરીમાં ભારતની કુસ્તીની ખેલાડી વિનેશ ફોગાટ પણ હરીફાઇમાં હતી. વૂડસ આ પહેલા 2000 અને 2001માં શ્રેષ્ઠ ખેલાડી બની ચૂકયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer