કિવિઝે બાંગ્લાદેશનાં 3-0થી સૂપડાં સાફ કર્યાં

કિવિઝે બાંગ્લાદેશનાં 3-0થી સૂપડાં સાફ કર્યાં
ત્રીજી વન ડેમાં 88 રને આક્રમક વિજય : સાઉધીની 6 વિકેટ : ન્યૂ ઝીલૅન્ડના 6/330 સામે બાંગ્લાદેશ 242માં ઓલઆઉટ : શબ્બીરની સદી એળે

ડુનેડિન તા.20: ન્યુઝિલેન્ડની ટીમે બેટિંગ - બોલિંગમાં શાનદાર દેખાવ ચાલુ રાખીને આજે અહીં ત્રીજા અને આખરી વન ડે મેચમાં બાંગલાદેશને 88 રને હાર આપી હતી. આ જીત સાથે કિવિ ટીમે પ્રવાસી બાંગલાદેશની ટીમના વન ડે શ્રેણીમાં 3-0થી સૂપડાં સાફ કર્યાં હતાં. ત્રીજા મેચમાં ન્યુઝિલેન્ડે 0 ઓવરમાં 6 વિકેટે 330 રન કર્યા હતા. જવાબમાં બાંગલાદેશની ટીમ 47.2 ઓવરમાં 242 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કિવિ ફાસ્ટ બોલર ટિમ સાઉધીએ 65 રનમાં 6 વિકેટ લીધી હતી. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે પહેલા બે વન ડેમાં સદી કરનાર માર્ટિન ગુપ્ટિલ મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. બાંગલાદેશ તરફથી શબ્બીર રહેમાને સદી કરી હતી, પણ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો.
બાંગલાદેશના સુકાની મુર્તઝાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. આ પછી ન્યુઝિલેન્ડના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી હતી. હેનરી નિકોલસને 64, રોસ ટેલરે 69 અને ગ્રેંડહોમે ઝડપી 37 રન બનાવ્યા હતા. ઉપરાઉપરી બે સદી કરનાર ગુપ્ટિલ 29 રને આઉટ થયો હતો. ઇનચાર્જ કેપ્ટન લાથમે 9 રન કર્યા હતા. નિશામે 37 રન કર્યા હતા. આથી કિવિ ટીમના 0 ઓવરમાં 6 વિકેટે 330 રનનો મોટો સ્કોર બન્યો હતો. જવાબમાં બાંગલાદેશની ટીમ રન રફતાર ટકાવી શકી ન હતી અને 47.2 ઓવરમાં 242 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. આથી ન્યુઝિલેન્ડનો 88 રને સરળ વિજય નોંધાયો હતો. બાંગલાદેશ તરફથી શબ્બીર રહેમાન 110 દડામાં 12 ચોક્કા અને 2 છક્કાથી 102 રન કરીને અંતિમ વિકેટના રૂપમાં આઉટ થયો હતો. સૈફૂદ્દીને 44 રન કર્યા હતા. સાઉધીને 6 વિકેટ મળી હતી.
ન્યૂ ઝીલૅન્ડ ત્રીજા ક્રમાંકે પહોંચ્યું
બંગલાદેશ વિરુદ્ધના 3-0થી શ્રેણી વિજયનો ન્યુઝિલેન્ડને ફાયદો થયો છે. આઇસીસી વન ડે ક્રમાંકમાં કિવિ ટીમ દ. આફ્રિકાને પાછળ રાખીને ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. ન્યુઝિલેન્ડના હવે 112 રેટિંગ થયા છે. બીજી તરફ બાંગલાદેશની ટીમ ત્રણ રેટિંગના નુકસાન સાથે સાતમા ક્રમ પર છે. તેના હવે 90 રેટિંગ છે. ઇંગ્લેન્ડ (126) પહેલા નંબર પર છે. આ પછી ભારત (122), ન્યુઝિલેન્ડ (112), દ. આફ્રિકા (111) અને પાકિસ્તાન (102) છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer