ખાંડનું ઉત્પાદન સાત ટકા વધ્યું : ઈસ્મા

ખાંડનું ઉત્પાદન સાત ટકા વધ્યું : ઈસ્મા
પુણે, તા.20 : ભારતમાં 15 ફેબ્રુઆરી સુધીમાં 2018-19 ખાંડની સિઝનમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 7.7 ટકા વધીને 2.19 કરોડ ટન થયું હોવાનું ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશન (ઈસ્મા)એ કહ્યું છે. 
ઈસ્માએ તેમના અહેવાલમાં કહ્યું કે, 15 ફેબ્રુઆરી, 2019 સુધીમાં દેશમાં 507 ખાંડ મિલોએ 219.30 લાખ ખાંડનું ઉત્પાદન કર્યું છે, જ્યારે ગત વર્ષના સમાન ગાળામાં 494 મિલોએ 203.55 લાખ ખાંડનું ઉત્પાદન કર્યું હતું. મહારાષ્ટ્ર અને કર્ણાટક ખાંડ મિલોએ શેરડીનું પિલાણ આ વર્ષે જલદી શરૂ કરતા ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ વધ્યું છે. જોકે, દેશમાં એકંદર ખાંડનું ઉત્પાદન આ સિઝનમાં ઓછું થવાની ધારણા છે. 
મહારાષ્ટ્રમાં સૂચિત સમયગાળામાં 82.98 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જ્યારે ગત વર્ષના સમાન ગાળામાં 74.74 લાખ ટન ઉત્પાદન થયું હતું. ખાંડની વર્તમાન સિઝનમાં રાજ્યમાં છ મિલોએ શેરડીના પિલાણનું કામકાજ બંધ કર્યું છે, જ્યારે 187 મિલો કાર્યરત છે. ગત વર્ષના સમાન ગાળામાં 183 મિલો કાર્યરત હતી. મહારાષ્ટ્રમાં પિલાણની પ્રક્રિયા જલદી શરૂ થતા મિલોને આશા છે કે આ પ્રક્રિયા જલદી પૂરી થશે. મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ગત સિઝનની સરખામણીએ ઓછું છે. 
ઉત્તર પ્રદેશમાં 15 ફેબ્રુઆરી સુધીમાં 117 મિલોએ 63.93 લાખ ખાંડનું ઉત્પાદન કર્યું છે. કર્ણાટકમાં 10 મિલોએ કામકાજ બંધ કર્યું છે અને 57 મિલો કાર્યરત છે, જેમાં એકંદર 38.74 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયુ છે. તામિલનાડુમાં 33 મિલોએ 3.50 લાખ ટન ઉત્પાદન કર્યું છે, ગુજરાતમાં 16 મિલોએ 7.78 લાખ ટન ઉત્પાદન કર્યું છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં 24 સુગર મિલોએ 4.50 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer