સ્લો ડાઉનના ભયે વૈશ્વિક સોનામાં વધુ તેજી

સ્લો ડાઉનના ભયે વૈશ્વિક સોનામાં વધુ તેજી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.20 : અમેરિકા, ચીન અને યુરોપમાં રાજકીય-આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે દુનિયામાં ફરી સ્લો ડાઉનની સ્થિતિ સર્જાશે તેવા ભય વચ્ચે ડૉલર નબળો પડવાથી સોનામાં સલામત રોકાણની માગથી તેજી હતી. ન્યૂ યોર્કમાં 1345 ડૉલરની દસ મહિનાની ઊંચાઇએ સોનું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે કહ્યું હતું કે ચીન સાથે ડયૂટી ઘટાડા માટે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. બન્ને પક્ષે બાંધછોડ કરવાની તૈયારી છે. પહેલી માર્ચની ડેડલાઇનની વાત છે પરંતુ હવે આ દિવસ દૂર નથી એટલે હવે આ મુદ્દે કોઇ નિષ્કર્ષ આવશે એવી ગણતરી છે. મુદ્દો ઉકેલાઇ જાય તો સોનાની માગમાં વધારો થશે.
અમેરિકાની ફેડરલ રિઝર્વની છેલ્લી બેઠકની મિનિટ્સ બુધવારે મોડેથી જાહેર થવાની છે. ટ્રમ્પ હવે ઉત્તર કોરિયા સાથે ન્યૂક્લિયર કાર્યક્રમનો અંત આણવા માગે છે. જોકે, એ માટે કોઇ સમયગાળો આપવામાં આવ્યો નથી. હવે ઉત્તર કોરિયા સાથે બીજી સમિટ યોજવા માટે કિમ જોંગ સાથે આવતા અઠવાડિયામાં ટ્રમ્પ વાતચીત કરવાના છે. બીજી તરફ બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે યુરોપીયન સત્તાવાળાઓને બ્રસેલ્સમાં મળવાના છે. બ્રેક્ઝિટ સંધિ મુદ્દે માર્ગ શોધવાના પ્રયાસો થશે.
દરમિયાન સોનામાં તેજી વચ્ચે એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતો 15 ફેબ્રુઆરીએ 793.03 ટન તે ઘટીને 792.45 ટન સુધી થઇ છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂા. 200ના સુધારામાં રૂા. 34,400 હતો. મુંબઈમાં રૂા. 170 વધતા રૂા. 33,850 હતો. ચાંદીનો ભાવ ન્યૂ યોર્કમાં 16.03 ડૉલરના સ્તરે હતો. રાજકોટમાં એક કિલો ચાંદી રૂા. 350 સુધરીને રૂા. 40,900 અને મુંબઈમાં રૂા. 370 વધતા રૂા. 40,630 હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer