ટ્રેડ વૉરનું ટેન્શન હળવું થતાં સેન્સેક્ષ-નિફટીમાં ઉછાળો

ટ્રેડ વૉરનું ટેન્શન હળવું થતાં સેન્સેક્ષ-નિફટીમાં ઉછાળો
આઈટી, બૅન્કિંગ, મેટલ, ફાર્મા શૅર્સમાં તેજી
વાણિજય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : અમેરિકા-ચીનની વર્ષ લાંબી ટ્રેડ વૉરની મડાગાંઠ સૂલઝાવવામાં સહમતી મળ્યાના સંકેતથી એશિયન શૅરબજારોના સથવારે ભારતના બજારમાં ટેક્નિકલી ઉછાળો નોંધાયો હતો. ક્રૂડતેલ 66 ડૉલર ઉપર હોવા છતાં એનએસઈ ખાતે સટ્ટાકીય લેવાલી અને અગાઉના મંદીનાં વેચાણ કપાતાં નિફટી 131 પૉઈન્ટ વધીને 10735.45ના સ્તરે બંધ હતો, જ્યારે બીએસઈ સેન્સેક્ષ 404 પૉઇન્ટ વધીને 35756.26ના સ્તરે બંધ રહ્યો હતો. શૅરબજારમાં નિફટી અગાઉના બંધ 10604 સામે 10655 ખૂલીને 10752.90 સુધી ગયા પછી 10735.45 બંધ રહ્યો હતો. ટેક્નિકલી હવે 10752 ઉપર 10790થી 10820નો રેસિસ્ટન્ટ ઝોન મહત્ત્વપૂર્ણ બનશે.
આજે નિફટી મેટલ ઈન્ડેક્સ 2.99 ટકા અને ફાર્મા 1 ટકા વધ્યો હતો. જ્યારે બૅન્કેક્સ 1.2 ટકા સુધારે રહ્યો હતો. મુખ્યત્વે આઈટી શૅરો, બૅન્કિંગ નાણાસેવા, મેટલ અને કેટલાક ફાર્મા શૅરોમાં સટ્ટાકીય લેવાલી જણાઈ હતી. મુખ્ય સુધરનાર શૅરમાં ટિસ્કો રૂા. 20, હિન્દાલ્કો રૂા. 6, વેદાન્ત 3 ટકા, એસબીઆઈ અને આઈડીએફસી ફર્સ્ટ બૅન્કમાં નોંધપાત્ર લેવાલી હતી. ક્રૂડતેલમાં સ્થિરતાના સંકેતથી તેલ-ગૅસ ક્ષેત્રના શૅર વધ્યા હતા. નિફટીના મુખ્ય શૅરમાં 43 શૅર વધવા સામે માત્ર 7 શૅર ઘટાડે બંધ રહ્યા હતા. બીએસઈ મિડકેપ સૂચકાંક 144 પૉઈન્ટ અને સ્મોલકેપ 119 પૉઈન્ટ વધ્યા હતા.
આજે સુધરવામાં અગ્રણી અલ્ટ્રાટેક રૂા. 106, ટેક મહિન્દ્રા રૂા. 21, ઈન્ફોસીસ રૂા. 16, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 18, ગ્રાસીમ રૂા. 12, એચડીએફસી બૅન્ક રૂા. 24, યસ બૅન્ક રૂા. 5, ઈન્ડિયાબુલ્સ રૂા. 31, ગેઈલ રૂા. 9, એચપીસીએલ રૂા. 6, સનફાર્મા રૂા. 7 વધ્યા હતા. જ્યારે ઘટાડામાં ડૉ. રેડ્ડીઝ રૂા. 12, બજાજ અૉટો રૂા. 13 અને હીરો મોટર્સ રૂા. 13 મુખ્ય હતા. આજે વીઆઈએક્સ (વોલાટિલિટી) ઈન્ડેક્સ ઊંચો રહેવાથી હવે 10752થી 10800થી બજાર પાછું ફરશે તો ઘટાડાની સંભાવના પ્રબળ બનશે એમ એનલિસ્ટો માને છે.
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણી ગ્રુપ (એડાગ)ને એરિકસન કંપનીને રૂા. 453 કરોડ નહીં સૂચકવવા બદલ કોર્ટની અવમાનના માટે જવાબદાર ઠેરવતા શૅરોમાં 11 ટકા વધઘટ હતી. રિલાયન્સ કેપિટલ 4.3 ટકા નીચે બંધ રહ્યો હતો. જોકે, 4 અઠવાડિયાંમાં રકમ વ્યાજ સહિત ચૂકવવાથી કંપનીના બોર્ડ અૉફ ડિરેકટરો જેલની સજાથી બચી જવાનો ચુકાદામાં ઉલ્લેખ છે.
એશિયન બજારો
ચીન-અમેરિકાની ટ્રેડ વૉર મુદ્દાની વાટાઘાટ સફળ થવાના આરે હોવાના સંકેતથી એશિયન બજારો સાડા ચાર મહિનાની ટોચે રહ્યાં હતાં. એશિયા પેસિફિક એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્સ 1 ટકા, હૉંગકૉંગમાં હૅંગસૅંગ 1.1 ટકા, કોસ્પી અને તાઈવાન ઈન્ડેક્સ સુધરવા ઉપરાંત જપાનમાં નિક્કી 0.75 ટકા વધ્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer