રિયલ એસ્ટેટમાં જીએસટી ઘટાડવાનો નિર્ણય રવિવાર સુધી મોકૂફ

રિયલ એસ્ટેટમાં જીએસટી ઘટાડવાનો નિર્ણય રવિવાર સુધી મોકૂફ
જાન્યુઆરીના સેલ્સ રિટર્નની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

નવી દિલ્હી, તા.20 : ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલે બાંધકામ હેઠળના રિયલ એસ્ટેટમાં જીએસટી કરમાં ફેરફાર કરવાના નિર્ણયને રવિવાર સુધી મોકૂફ રાખ્યો છે. કાઉન્સિલની આગામી મિટિંગ 24મી ફેબ્રુઆરીએ યોજાશે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કાઉન્સિલની મિટિંગમાં વીડિયો કોન્ફોરન્સના માધ્યમે કહ્યું કે, રવિવારે રિયલ એસ્ટેટમાં દર ઘટાડવા સંબંધિત નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે જાન્યુઆરીના સેલ્સ રિટર્નની અંતિમ તારીખ તમામ રાજ્યો માટે 22 ફેબ્રુઆરી અને જમ્મુ-કાશમીર માટે 28 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી છે. રિટર્ન ફાઈલિંગ માટે ઘસારો થતો હોવાથી આ મુદત લંબાવવામાં આવી હોવાનું નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું.  
સોમવારે ગુજરાતના ડેપ્યુટી મુખ્ય પ્રધાન નીતિન પટેલના નેજા હેઠળના પ્રધાનોના જૂથે રિયલ એસ્ટેટ સંબંધિત ભલામણો સુપરત કરી હતી. તેમણે બાંધકામ હેઠળના રિયલ એસ્ટેટમાં જીએસટી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા ઈનપુટ ટૅક્સ ક્રેડિટ વિના કરવાની ભલામણ તેમના રિપોર્ટમાં કરી છે. આવી જ રીતે પરવડે એવા બાંધકામ હેઠળના ઘરોમાં જીએસટી આઠ ટકાથી ઘટાડીને ત્રણ ટકા (ઈનપુટ ટૅક્સ ક્રેડિટ વિના) કરવાની પણ ભલામણ કરી છે. 
આમાં બીલ્ડરો માટે શરત એક જ છે કે તેમણે 80 ટકા જેટલો કાચો માલ સંગઠિત ક્ષેત્ર પાસેથી ખરીદવાનો રહેશે, એમ એક અધિકારીએ કહ્યું હતું. 
રાજ્યોને મોટી રાહત આપતા કાઉન્સિલ રાજ્યના નાણાપ્રધાનોના મંતવ્યો વિશે વિચારણા કરવા સંમત થઈ છે. અગાઉ અમુક રાજ્યોના વિપક્ષના જ નાણાપ્રધાનો પ્રસ્તાવોને રજૂ કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે લોટરીના જીએસટી માળખામાં ઉતાવળે ફેરફાર થવો જોઈએ નહીં, કેમ કે વર્તમાન મિકેનિઝમ ઉંડાણપૂર્વક અભ્યાસ પછી જ અમલમાં મૂકવામાં આવ્યું છે. 
કેરળના નાણાપ્રધાન થોમસ ઈસાકે કહ્યું કે, જ્યારે રાજ્યોમાં મતભેદ હોય ત્યારે નાણાપ્રધાનોના જૂથે પહેલા મિટિંગ યોજીને વ્યવસ્થિત ચર્ચા કરવી જોઈએ. દરેક વિકલ્પોની સમીક્ષા ઉંડાણપૂર્વક થવી જોઈએ કારણ કે દર સંબંધિત નિર્ણય રાજકીય રીતે મહત્ત્વના હોય છે. 
જીએસટી કાઉન્સિલની છેલ્લી મિટિંગમાં નાના બિઝનેસમેનને રાહત આપતા જીએસટી કપાતની મર્યાદા રૂા.20 લાખથી વધારીને રૂા.40 લાખ કરી છે. તેમ જ કૉમ્પોઝિશન સ્કીમને વધારીને સર્વિસ પ્રોવાઈડર્સ માટે પણ લાગુ કરવામાં આવી છે. નવી કપાતની થ્રેશોલ્ડ- બિઝનેસનું ન્યૂનતમ વાર્ષિક ટર્નઓવર એક એપ્રિલ, 2019થી લાગુ પડશે.  

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer