કૌન બનેગા ચીફ મિનિસ્ટર ?

યુતિના ગણતરીના કલાકો બાદ ભાજપ-શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાનના હોદ્દાને લઈ શરૂ થયો વિખવાદ, ગઠબંધન તોડવાની પણ ધમકીઓ આપવામાં આવી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ભાજપ-શિવસેના વચ્ચે યુતિ થઈ અને હજી બે દિવસ થયા નથી ત્યાં બન્ને પક્ષ વચ્ચે મુખ્ય પ્રધાનના હોદ્દાની વહેંચણી અંગેના મતભેદ સપાટી પર આવ્યા છે.
ભાજપના પ્રધાન ચંદ્રકાંતદાદા પાટીલે કહ્યું હતું કે અમારી પાર્ટીનો એવો મત છે કે બેમાંથી જે કોઈ પક્ષને વિધાનસભાની ચૂંટણીમાં વધુ સીટ મળશે એને મુખ્ય પ્રધાનપદ મળશે.
ચંદ્રકાંતદાદા પાટીલની આ રજૂઆતને ઠુકરાવી દેતા શિવસેનાના પ્રધાન રામદાસ કદમે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન પદ શિવસેના સાથે શેર કરાશે. એવી શરત માન્ય રાખવામાં આવતા મારા પક્ષે ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. જો ભાજપ એનું વચન પાળવા માગતી ન હોય તો એ ચૂંટણી પહેલાં આ સમજૂતી તોડી શકે છે. શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાત્રે માતોશ્રીમાં શિવસૈનિકોને સંબોધતાં કહ્યું હતું કે જે પાર્ટી વધુ સીટ જીતશે એને મુખ્ય પ્રધાન પદ મળશે એવી ફોર્મ્યુલાને ઠુકરાવી દીધી હતી. છેલ્લાં 25 વર્ષ જેને વધુ સીટ મળે એ પાર્ટીનો ઉમેદવાર મુખ્ય પ્રધાન બને  એવી ફોર્મ્યુલા હતી. પણ આ વખતે મેં એવી માગણી કરી હતી કે બન્ને પાર્ટીએ દરેક હોદ્દા સરખા ભાગે વહેંચી લેવા. ભાજપ મારી આ માગ સાથે સહમત થયો હતો એટલે હું યુતિ માટે રાજી થયો હતો.
સોમવારે બન્ને પક્ષ વચ્ચે યુતિની જાહેરાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ લોકસભાની 25 અને શિવસેના 23 સીટ્સ લડશે. જ્યારે બન્ને પક્ષ વિધાનસભાની અડધે-અડધી સીટ લડશે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 અને વિધાનસભાની 288 સીટ છે.
રામદાસ કદમે કહ્યું હતું કે યુતિની સમજૂતી પ્રમાણે બન્ને પક્ષ તમામ બંધારણીય હોદ્દા સરખા ભાગે વહેંચી લેશે. આનો મતલબ એ છે કે મુખ્ય પ્રધાનનો હોદ્દો પણ શૅર કરાશે. જો આ સમજૂતી ભાજપને માન્ય ન હોય તો અમે ઉદ્ધવ ઠાકરેને યુતિ તોડવા માટે કહીશું. અમે એકલા હાથે ચૂંટણી લડવા સક્ષમ છીએ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer