વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સગા ભાઈ પ્રહ્લાદ આજે રૂપાણી સામે બાંયો ચડાવશે

ભાર્ગવ પરીખ તરફથી  
અમદાવાદ, તા. 20 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહ્લાદ મોદી રૅશાનિંગના વેપારીની સમસ્યાને લઈને ગાંધીનગરમાં ધરણા કરશે. 
ગુજરાતના રૅશાનિંગકાર્ડ ધારકો દ્વારા સરકારી નિયમોને કારણે હાલાકી થતી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત ફેર પ્રાઇસ શૉપ ઍન્ડ કેરોસીન હોલ્ડર ઍસોશિયેશને ગુજરાત સરકારને 2015ના નિયમોને કારણે થતી હાલાકી અંગે રજૂઆત કરી હતી, પરંતુ લાંબા સમયથી કોઈ પગલાં ન ભરાતાં હવે ધરણા કરવાનું નક્કી કર્યું છે. ઍસોશિયેશનના પ્રમુખ પ્રહ્લાદ મોદીએ સરકાર સામે મોરચો માંડવાનું નક્કી કર્યું છે પ્રહ્લાદ મોદીએ કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા કૉમ્પ્યુટરાઇઝેશનના નામે નિતનવાં સૉફ્ટવેર લેવાય છે જેને કારણે રૅશાનિંગની દુકાનવાળાને તકલીફ પડી રહી છે. 2015માં કરેલી આ રજૂઆત બાદ માંડ આ સમસ્યા દૂર થઈ ત્યારે 55 લાખ કાર્ડધારકો ઓછા થયા છે, એટલું જ  નહીં; બીપીએલમાંથી એપીએલ કરાયેલા લોકોની યાદી બહાર પાડવામાં નથી આવતી અને જે કાર્ડધારકો ઉજ્જ્વલા ગૅસ યોજનાનો લાભ લઈ રહ્યા છે એ સારું છે, પણ એને કારણે કેરોસીનનો ધંધો બંધ થઈ ગયો છે અને કેરોસીનનો પુરવઠો ઓછો થવાને કારણે રૅશાનિંગની દુકાનદારોનો ધંધો ઘટી ગયો છે એને જોતાં અમે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે રૅશાનિંગની દુકાનવાળાને આ ગૅસના બાટલા વેચવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ સરકાર દ્વારા અમારી માંગણી નહીં સંતોષાતાં આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનના પહેલા ચરણમાં 21 ફેબ્રુઆરીએ અમે ગાંધીનગરમાં ધરણા-પ્રદર્શન કરીશું અને સરકાર અમારી વાત નહીં માને તો આવતા દિવસોમાં હડતાળ જેવા જલદ કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.
Published on: Thu, 21 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer