રવિ પૂજારીને ક્રિકેટ મૅચના ફોટોએ કર્યો ક્લીન બોલ્ડ

મુંબઈ, તા. 20 : અન્ડરવર્લ્ડ ડૉન સામાજિક પ્રવૃત્તિથી દૂર રહેતા હોય છે, પરંતુ રવિ પૂજારી ભારતમાં ખંડણીના ફોન કર્યા બાદ બે જુદા-જુદા દેશમાં જાહેર પ્રવૃત્તિમાં જોડાયેલો રહેતો હતો અને એટલે જ તપાસ-એજન્સીઓને લોકેશન મળ્યું હતું અને તેની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. 
22 જાન્યુઆરીએ સેનેગલમાંથી રવિ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં એક વ્યક્તિનો ફોટો વાઇરલ થયો હતો જેના ટી-શર્ટ પર `10 ઇન્ડિયન સેનેગલ ક્રિકેટ ક્લબ' લખ્યું હતું. જ્યારે એ વ્યક્તિની બાજુમાં ઊભેલા માણસ પર નજર કરતાં ખબર પડી કે એ શખસ રવિ પૂજારી છે. એટલે સેનેગલ ક્રિકેટ ક્લબ અને સંબંધિત ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે વિગતો કાઢયા બાદ માહિતી મળી કે થોડાં અઠવાડિયાં પહેલાં બુર્કિના ફાસોમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને એમાં સેનેગલ ક્રિકેટ ક્લબની ટીમે ભાગ લીધો હતો. રવિ પૂજારી એ ટુર્નામેન્ટના કામકાજ માટે જ ત્યાં ગયો હતો. તપાસ-એજન્સીને એનુ બુર્કિના ફાસોનું લોકેશન નહોતું મળ્યું, પણ માહિતી મળી હતી કે એક હૉટેલમાં બેસવા માટે રવિ હંમેશાં સેનેગલ જાય છે. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ હૉટેલ તેણે કોઈ મિત્રના નામે લીધી છે. ત્યાર બાદ કેટલાક દિવસ સુધી એ હૉટેલની બહાર જાળ બિછાવ્યા બાદ 22 જાન્યુઆરીએ સ્થાનિક પોલીસ અને ઇન્ટરપોલની મદદથી રવિ પૂજારીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ફર્નાન્ડિસ નામનો નકલી પાસપોર્ટ પણ મળી આવ્યો હતો.  
અત્યારે રવિ પૂજારીને સેનેગલથી ભારત લાવવાની કાયદાકીય પ્રક્રિયા મુંબઈ પોલીસ કરી રહી છે. તેના પર મુંબઈ મકોકા હેઠળ 26 કેસ ચાલી રહ્યા છે. રવિ પૂજારી પોતાને ઍન્થની ફર્નાન્ડિસ ગણાવે છે એટલે તેણે સેનેગલમાં પોતાની ધરપકડને પડકારી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer